Modi-Putin Talks Update: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન હાલમાં ભારતના પ્રવાસ પર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું સ્વાગત કર્યું હતું. બંન્ને નેતા 21મા વાર્ષિક ભારત-રશિયા શિખર સંમેલનમાં સામેલ થયા હતા. ભારત અને રશિયા વચ્ચેની 21મી વાર્ષિક શિખર બેઠક છે. રશિયાના રાષ્ટ્રપતિ કેટલાક કલાકો માટે ભારત પ્રવાસ પર રહેશે. વડાપ્રધાન મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે વાતચીત દરમિયાન કહ્યું કે આર્થિક ક્ષેત્રમાં આપણા સંબંધો આગળ વધારવા માટે અમે એક લાંબા ગાળાની દ્રષ્ટિ અપનાવી રહ્યા છીએ.







વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમે 2025 સુધી 30 બિલિયન ડોલર ટ્રેડ અને 50 બિલિયન ડોલરના રોકાણનું લક્ષ્ય રાખ્યું છે. કોરોનાના પડકારો છતાં ભારત અને રશિયા વચ્ચે દ્ધિપક્ષીય સંબંધો અને રણનીતિક ભાગીદારીમાં કોઇ ફેરફાર થયો નથી. કોરોના વિરુદ્ધની લડાઇમાં પણ બંન્ને દેશો વચ્ચે સહયોગ રહ્યો છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે  2021 આપણા દ્ધિપક્ષીય સંબંધો માટે ખૂબ મહત્વપૂર્ણ છે. આ વર્ષે આપણા 1971ની ટ્રીટી ઓફ પીસ  ફ્રેન્ડશીપ એન્ડ કોર્પોરેશનના પાંચ દાયકા અને આપણી ભાગીદારીના બે દાયકા પુરા થવા જઇ રહ્યા છે.


વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે આપણી વચ્ચે વિવિધ કરારોથી તેમાં મદદ મળશે. મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમ હેઠળ કોર ડેવલપમેન્ટ અને કો પ્રોડક્શનથી આપણી વચ્ચે રક્ષા સહયોગ વધુ મજબૂત થઇ રહ્યો છે. બંન્ને દેશોના વિદેશ મંત્રીઓ અને સંરક્ષણ મંત્રીઓ વચ્ચે બેઠક થઇ ચૂકી છે.


રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે ભારતની મુલાકાત લઇને મને ખૂબ આનંદ થયો છે. ગયા વર્ષે બંન્ને દેશો વચ્ચે ટ્રેડમાં 17 ટકાનો ઘટાડો થયો હતો પરંતુ આ વર્ષે પ્રથમ 9 મહિનામાં ટ્રેડમાં 38 ટકાનો વધારો થયો છે. આપણે સહયોગી છીએ અને ખૂબ મહત્વપૂર્ણ ચીજો પર સાથે કામ કરી રહ્યા છીએ. જેમાં ઉર્જા ક્ષેત્ર, અંતરિક્ષ સહિત ઉચ્ચ ટેકનોલોજી સામેલ છે.


છેલ્લા બે વર્ષમાં પુતિને ભારતનો પ્રવાસ કર્યો નહોતો. તેઓ કોરોના મહામારીના કારણે જી-20 અને સીઓપી 26જેવા સંમેલનમાં સામેલ થઇ શક્યા નહોતા. કોરોનાના કારણે તેમણે ચીનનો પ્રવાસ પણ રદ કર્યો હતો. જોકે, આ વર્ષે તેઓ ફક્ત અમેરિકન રાષ્ટ્રપતિને મળ્યા હતા.