PM Modi Nepal Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નેપાળના પ્રવાસે છે. પીએમ મોદીએ આજે બુદ્ધ પૂર્ણિમાના અવસરે ભગવાન બુદ્ધના જન્મ સ્થળ લુમ્બિનીમાં નેપાળના પીએમ શેર બહાદુર દેઉબા સાથે દ્વિપક્ષીય ચર્ચા કરી હતી. બંને પ્રધાનમંત્રીઓએ બહુઆયામી દ્વિપક્ષીય ભાગીદારીમાં નવા ક્ષેત્રોને શોધવા અને હાલના સહયોગને મજબૂત કરવા અંગે ચર્ચા કરી હતી.


ત્યાર બાદ પીએમ મોદી બુદ્ધ પૂર્ણિમા પર આયોજિત કાર્યક્રમમાં પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં સંબોધન કરતાં પીએમ મોદીએ કહ્યું કે, મને પહેલાં પણ વૈશાખ પૂર્ણિમાના દિવસે ભગવાન બુદ્ધ સાથે જોડાયેલા દિવ્ય સ્થળો પર કાર્યક્રમોમાં જવાનો અવસર મળ્યો છે. અને આજે ભારતના મિત્ર નેપાળમાં ભગવાન બુદ્ધના પવિત્ર જન્મસ્થળ પર આવવાનું સૌભાગ્ય મળ્યું છે.


નેપાળના લોકો ખુશઃ
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, માયાદેવી મંદિરમાં દર્શન કરવાનો જે અવસર મને મળ્યો તે મારા માટે અવિસ્મરણીય છે. જે જગ્યા પર સ્વયં ભગવાન બુદ્ધે જન્મ લીધો હોય તે જગ્યાની ઉર્જા, ત્યાંની ચેતના એક અલગ જ અહેસાસ છે. આ સાથે અયોધ્યા મંદિરના નિર્માણનો ઉલ્લેખ કરતાં પીએમ મોદીએ કહ્યું કે, જનકપુરમાં મેં કહ્યું હતું કે નેપાલ વગર આપણા રામ પણ અધુરા છે. મને ખબર છે કે આજે જ્યારે ભારતમાં ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર બની રહ્યું છે તો નેપાળના લોકો પણ એટલા જ ખુશ છે.


પીએમ મોદીએ ભારત-નેપાળના સંબંધો પર કહ્યું કે, આજે જે રીતે વૈશ્વિક પરિસ્થિતિઓ બની રહી છે. તેમાં ભારત અને નેપાળની નિરંતર મજબૂત થઈ રહેલી મિત્રતા, આપણી ઘનિષ્ઠતા, સંપૂર્ણ માનવતાના હિતમાં કામ કરશે. નેપાળમાં લુમ્બિની મ્યૂઝિયમનું નિર્માણ પણ બંને દેશોના સહયોગનું ઉદાહરણ છે. આજે અમે લુમ્બિની બુદ્ધિસ્ટ યુનિવર્સિટીમાં ડૉ. આંબેડકર ચેર ફોર બુદ્ધિસ્ટ સ્ટડી સ્થાપિત કરવાનો નિર્ણય પણ કર્યો છે.


આ પણ વાંચોઃ


PM Modi Gujarat Visit: પીએમ મોદી દક્ષિણ ગુજરાતના આદિવાસીઓને મનાવવા ક્યાં કરશે સભા ? જાણો ભાજપની શું છે રણનીતિ