Bombay High Court: બોમ્બે હાઈકોર્ટે જાતીય શોષણ સંબંધિત કેસની સુનાવણી દરમિયાન આરોપી યુવકને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. હાઈકોર્ટે કહ્યું કે હોઠને ચુંબન કરવું અને પ્રેમથી કોઈને સ્પર્શ કરવો એ ભારતીય દંડ સંહિતાની કલમ 377 હેઠળ અકુદરતી ગુનો નથી. સગીર યુવકના પિતાની ફરિયાદ બાદ પોલીસે ગયા વર્ષે આરોપીની ધરપકડ કરી હતી. જેને હવે કોર્ટે જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો છે.


આ કેસમાં, આરોપીઓ સામે બાળ જાતીય અપરાધ સંરક્ષણ (પોક્સો) અધિનિયમની વિવિધ કલમો અને ભારતીય દંડ સંહિતાની કલમ 377 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. સગીર યુવક ઓનલાઈન ગેમ ઓલા પાર્ટી રિચાર્જ કરવા માટે મુંબઈના ઉપનગરમાં આવેલી આરોપી વ્યક્તિની દુકાને જતો હતો. સગીર યુવકના પિતા દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆર મુજબ, એક દિવસ જ્યારે સગીર યુવક ગેમ રિચાર્જ કરવા માટે આરોપી વ્યક્તિની દુકાન પર ગયો ત્યારે આરોપીએ તેના હોઠને ખોટી રીતે કિસ કરી અને તેના પ્રાઈવેટ પાર્ટને સ્પર્શ કર્યો. જે બાદ યુવકના પિતાએ આરોપી દુકાનદાર વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.


કોર્ટે શું કહ્યું?


આ કેસની સુનાવણી કરી રહેલા જસ્ટિસ પ્રભુદેસાઈએ આરોપીને જામીન આપતાં કહ્યું કે સગીર યુવકની મેડિકલ તપાસ તેના જાતીય શોષણના આરોપને સમર્થન આપતી નથી. ઉપરાંત, ન્યાયાધીશે કહ્યું કે આરોપી વ્યક્તિને POCSO એક્ટની વિવિધ કલમો હેઠળ પાંચ વર્ષની સજા થઈ શકે છે અને તેને જામીન આપી શકાય છે.


કેસની સુનાવણી કરતા જજે કહ્યું કે આ કેસમાં અકુદરતી સેક્સનો મામલો પ્રથમ દૃષ્ટિએ લાગુ પડતો નથી. આ ઉપરાંત, આરોપી વ્યક્તિ છેલ્લા એક વર્ષથી પોલીસની કસ્ટડીમાં છે અને ટૂંક સમયમાં ટ્રાયલ શરૂ થવાની શક્યતા ઓછી છે. કોર્ટે કહ્યું કે, આ કેસ સાથે જોડાયેલા તથ્યોને ધ્યાનમાં રાખીને આરોપી વ્યક્તિ જામીન માટે હકદાર છે. કોર્ટે આરોપીને રૂ. 30,000ના વ્યક્તિગત બોન્ડ પર જામીન આપવાનો આદેશ કર્યો હતો.