કલમ 370 પર આ સાંસદનું શાનદાર ભાષણ, અમિત શાહે પાડી તાળીઓ, PM મોદીએ શેર કર્યો વીડિયો
abpasmita.in | 06 Aug 2019 07:50 PM (IST)
કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 ખતમ કર્યા બાદ આજે જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું. જેમાં સંપૂર્ણ બહુમતથી બિલ પાસ થયું હતું.
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 ખતમ કર્યા બાદ આજે જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું. જેમાં સંપૂર્ણ બહુમતથી બિલ પાસ થયું હતું. બિલના પક્ષમાં 367 અને વિરુદ્ધમાં 67 વોટ પડયા હતા. લોકસભામાં જમ્મુ-કાશ્મીર પુન:ગઠન બિલ પર ચર્ચા દરમિયાન લદ્દાખથી ભાજપના સાંસદ જામયાંગ શેરિંગે ભાષણ આપ્યું હતું જેનો વીડિયો પીએમ મોદીએ પોતાના ટ્વિટ પર શેર કર્યો છે. જામયાંગ શેરિંગના ભાષણ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિત સમગ્ર સદન તેમના દરેક વાક્ય પર તાળીયો વગાડતા જોવા મળ્યા હતા. જામયાંગ શેરિંગે કહ્યું કે, “આજે ભારતનાં ઇતિહાસમાં એ દિવસ છે જ્યારે જે ભૂલ જવાહર લાલ નેહરૂએ કરી હતી, તેનો સુધારો થઈ રહ્યો છે. 70 વર્ષ સુધી કૉંગ્રેસ-પીડીપી-નેશનલ કૉન્ફરન્સે લદ્દાખને અપનાવ્યું નહીં અને આજે ત્યાંની વાતો કરી રહ્યા છે. આ લોકો લદ્દાખને ઓળખતા પણ નથી અને પુસ્તકો વાંચીને બોલી રહ્યા છે. કલમ 370નાં કારણે અમારો વિકાસ ના થયો અને આના માટે કૉંગ્રેસ પાર્ટી જવાબદાર છે. જામયાંગ શેરિંગે પોતાના ભાષણ દરમિયાન પૂર્વ યૂપીએ સરકાર પર નિશાન સાધ્યું અને કહ્યું કે, તમારી સરકાર લદ્દાખનાં નામ પર પૈસા લઇ જતી હતી. તમે લોકો 1 હજાર નોકરીમાંથી 10 નોકરી માટે પણ લદ્દાખનાં લોકોને પસંદ નહોતા કરતા. લદ્દાખમાં એકપણ એજ્યુકેશનલ ઇન્સ્ટીટ્યૂટ નથી. લદાખના સાંસદનુ આ ભાષણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે.