PM Modi On UCC: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુનિફોર્મ સિવિલ કોર્ડને લઈને મહત્વનો સંકેત આપ્યો છે. પીએમ મોદીએ કહ્યું હતું કે, જો ટ્રિપલ તલાક એ ઇસ્લામનો આવશ્યક ભાગ છે, તો પછી પાકિસ્તાન, કતાર, જોર્ડન, ઇન્ડોનેશિયા જેવા દેશોમાં શા માટે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો? PM મોદીએ યુનિફોર્મ સિવિલ કોડની હિમાયત કરતા વેધક સવાલ કર્યો હતો કે, જો ઘરના એક સભ્ય માટે એક કાયદો અને બીજા માટે બીજો કાયદો હોય તો શું ઘર ચાલી શકશે? તો આવી બેવડી વ્યવસ્થા સાથે દેશ કેવી રીતે ચાલશે?
પીએમ મોદીએ મધ્ય પ્રદેશ રાજધાની ભોપાલમાં ભાજપના કાર્યકરોને સંબોધિત કરતી વખતે આ પ્રશ્ન ઉઠાવ્યો હતો. જેને લઈને હવે યુનિફોર્મ સિવિલ કોડના કાયદામાં સરકાર બદલાવ લાવી શકે છે તેવા સંકેત મળી રહ્યાં છે.
આજે મધ્ય પ્રદેશના ભોપાલમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધતા પીએમ મોદીએ કહ્યું હતું કે, મને લાગે છે કે આપણે આ વિષયનો અભ્યાસ કરવો જોઈએ. મને લાગે છે કે જે કોઈ ટ્રિપલ તલાકની તરફેણમાં વાત કરે છે, જે કોઈ પણ તેની તરફેણ કરે છે તો તેઓ વોટબેંકના ભૂખ્યા લોકો મુસ્લિમ દીકરીઓ સાથે મોટો અન્યાય કરી રહ્યા છે. એક એવા પરિવારની પરિસ્થિતિની કલ્પના કરો કે, જેઓ તેમની પુત્રીને લગ્ન કર્યા પછી વિદાય આપે છે અને તે 10 વર્ષ પછી પાછી આવે છે. ટ્રિપલ તલાક માત્ર દીકરીઓને જ અન્યાય નથી કરતો પણ તે સમગ્ર પરિવારને બરબાદ કરી નાખે છે.
મુસ્લિમ દેશોમાં પણ ટ્રિપલ તલાક પર પ્રતિબંધ
પીએમ મોદીએ કહ્યું હતું કે, મુસ્લિમ બહુમતીવાળા દેશોએ પણ ટ્રિપલ તલાક પર પ્રતિબંધ લગાવી દીધો છે. તેમણે કહ્યું હતું કે, હું ગઈકાલે ઇજિપ્તમાં હતો. ઇજિપ્તમાં 90%થી વધુ લોકો સુન્ની સમુદાયના છે. તેમણે 80-90 વર્ષ પહેલા ટ્રિપલ તલાક નાબૂદ કરી નાખી હતી. જો તલાક એ ઇસ્લામનો આવશ્યક ભાગ છે, તો પછી આ દેશોમાં ટ્રિપલ તલાક કેમ નથી? કતાર, જોર્ડન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયામાં ટ્રિપલ તલાક કેમ નથી?
પીએમ મોદીએ એમ પણ કહ્યું હતું કે, ભારતના મુસ્લિમ ભાઈ-બહેનોએ પણ સમજવું પડશે કે કઈ રાજકીય પાર્ટીઓ તેમને ભડકાવીને તેમનો રાજકીય લાભ લઈ રહી છે. તેમણે કહ્યું હતું કે, આપણે જોઈ રહ્યા છીએ કે, સમાન નાગરિક સંહિતાના નામે આવા લોકોને ઉશ્કેરવાનું કામ થઈ રહ્યું છે. જો ઘરમાં એક સભ્ય માટે એક કાયદો અને બીજા માટે બીજો કાયદો હોય તો શું ઘર ચાલશે? તો આવી બેવડી વ્યવસ્થા સાથે દેશ કેવી રીતે ચાલશે?
યુનિફોર્મ સિવિલ કોડ શું છે?
યુનિફોર્મ સિવિલ કોડ દેશના તમામ નાગરિકો માટે સમાન કાયદાની વાત કરે છે. એટલે કે લગ્ન, છૂટાછેડા, બાળક દત્તક લેવા અને મિલકતના વિભાજન જેવી બાબતોમાં તમામ નાગરિકો માટે સમાન નિયમો છે. હાલ દેશમાં વિવિધ ધર્મો અંગે અલગ-અલગ કાયદા છે, તેથી ભાજપ દેશમાં યુસીસી લાવવાનો પ્રયાસ કરી રહી છે. છેલ્લા ઘણા સમયથી તે પ્રયાસો કરી રહી છે, આ પણ તેના મોટા ચૂંટણી વચનોમાંનું એક છે.
કેવી હશે યુનિફોર્મ સિવિલ કોડ?
કાયદા પંચે હવે દેશના નાગરિકો પાસેથી યુસીસીને લગતા સૂચનો માંગ્યા હોવાથી અને આ સૂચનોની છેલ્લી તારીખ 15મી જુલાઈ રહેશે. જે સૂચનો મળશે તેના આધારે કાયદા મંત્રાલય અને આ ક્ષેત્રમાં કામ કરતા લોકો, રાજકારણીઓ, શિક્ષણવિદો અને તમામ ધર્મોના લોકો સાથે લોકોની એક સમિતિની પણ સલાહ લેવામાં આવશે અને તેમના સૂચનોના આધારે, કાનૂની જ્ઞાન ધરાવતી ટીમ તેનો પ્રારંભિક ડ્રાફ્ટ તૈયાર કરશે. તે ડ્રાફ્ટ તૈયાર થયા બાદ જ સામે આવશે કે દેશમાં આ કેવો કાયદો હશે.