Gandhi Jayanti:
PM Narendra Modi Message on Gandhi Jayanti: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધી જયંતિ નિમિત્તે બુધવારે (2 ઓક્ટોબર 2024) મહાત્મા ગાંધીને યાદ કરીને એક ખાસ સંદેશ લખ્યો હતો. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું હતું કે તમામ દેશવાસીઓ તરફથી પૂજ્ય બાપુને તેમની જન્મજયંતિ પર શત શત નમન. સત્ય, સદભાવ અને સમાનતા પર આધારિત તેમનું જીવન અને આદર્શ દેશવાસીઓ માટે સદૈવ પ્રેરણાપુંજ બની રહેશે.
‘એક્સ’ પર પોસ્ટ કરતા પહેલા પીએમ મોદી પણ રાજઘાટ પહોંચ્યા અને બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી. તેઓ થોડા સમય ત્યાં પણ રોકાયા હતા. કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પણ બુધવારે સવારે રાજઘાટ પહોંચ્યા અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ તરીકે ફૂલ અર્પણ કર્યા હતા. રાહુલ ગાંધી અને પીએમ મોદી સિવાય બીજા અનેક મોટા નેતાઓ પણ રાજઘાટ પહોંચ્યા અને રાષ્ટ્રપિતાને યાદ કર્યા હતા.
'સ્વદેશી અને સ્વરાજના તેમના વિચારો સદીઓ સુધી પ્રેરણા આપતા રહેશે'
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પણ આ ખાસ અવસર પર મહાત્મા ગાંધીને યાદ કર્યા અને એક્સ પર લખ્યું હતું કે , " સમગ્ર વિશ્વને શાંતિ અને અહિંસાના માર્ગ પર ચાલવા માટે પ્રેરણા આપનારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું જીવન એક આદર્શ રહ્યું છે. ગાંધી જયંતિના અવસર પર સ્વદેશી, સ્વરાજના વિચારો સદીઓ સુધી લોકોને પ્રેરિત કરતા રહેશે. ગાંધી જયંતિના અવસર પર મહાત્મા ગાંધીજીને કોટિ કોટિ નમન
રાજનાથ સિંહે પણ ગાંધીજીને કર્યા યાદ
કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે એક્સ પર લખ્યું હતું કે "પૂજ્ય બાપુને તેમની જન્મજયંતિ પર કોટિ કોટિ નમન. બાપુનું સમગ્ર જીવન, વ્યક્તિત્વ, વિચારો અને તેમનો સંઘર્ષ દરેક વ્યક્તિ માટે પ્રેરણાનો સ્ત્રોત છે. ભારત જ નહીં, સમગ્ર વિશ્વમાં આવનારી પેઢીઓ પણ તેમની પાસેથી પ્રેરણા લેતી રહેશે."