IMD Weather Update: ચોમાસુ 2024ની વિદાય થઈ ગઈ છે. ભારતીય હવામાન વિભાગે કહ્યું કે આ વર્ષે સામાન્ય કરતાં 7.6 ટકા વધુ વરસાદ થયો છે. રાજસ્થાન, ગુજરાત, પશ્ચિમ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગાણા અને આંધ્ર પ્રદેશ એવા રાજ્યો છે જ્યાં સૌથી વધુ વરસાદ થયો છે. આવી સ્થિતિમાં ચોમાસાની વિદાય બાદ ઠંડીની શરુઆત થશે.  


હવામાન વિભાગે મંગળવારે કહ્યું કે ઉત્તર-પશ્ચિમ, પશ્ચિમ અને મધ્ય ભારતના મોટાભાગના ભાગોમાં એટલે કે ઉત્તર પ્રદેશ, દિલ્હી, મધ્ય પ્રદેશ અને બિહારમાં આગામી એક સપ્તાહ સુધી વરસાદની કોઈ શક્યતા નથી. મતલબ કે આ રાજ્યોમાં આગામી દિવસોમાં તાપમાનમાં વધારો જોવા મળી શકે છે. IMD અનુસાર, આગામી બે-ત્રણ દિવસમાં રાજસ્થાન, હરિયાણા, પંજાબના કેટલાક ભાગોની સાથે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, મુઝફ્ફરાબાદ, ગિલગિટ બાલ્ટિસ્તાનમાંથી ચોમાસાની વિદાય માટે અનુકૂળ સ્થિતિ સર્જાઈ શકે છે.


આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ અઠવાડિયે આંદામાન, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં હળવા વરસાદની સંભાવના છે. આ સિવાય ઉત્તર પૂર્વમાં એટલે કે આસામ, ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડમાં 2જી અને 3જી ઓક્ટોબરે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.


આ સિવાય આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 1 થી 5 ઓક્ટોબર સુધી ભારે વરસાદનું એલર્ટ છે.


બીજી તરફ કર્ણાટક, લક્ષદ્વીપ, તમિલનાડુ, પુડુચેરી, કેરળ, તેલંગાણા, આંધ્રપ્રદેશમાં હળવા વરસાદની સંભાવના છે.


તામિલનાડુ, પુડુચેરી અને કેરળમાં 1 થી 5 ઓક્ટોબર વચ્ચે ભારે વરસાદનું એલર્ટ છે.


આ ચોમાસામાં કેવો વરસાદ પડ્યો ?


IMDએ કહ્યું છે કે 2024નું દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સોમવારે સત્તાવાર રીતે સમાપ્ત થઈ ગયું છે. આ સમયગાળા દરમિયાન, ભારતમાં 934.8 મીમી વરસાદ નોંધાયો હતો, જે સરેરાશના 108 ટકા છે અને 2020 પછીનો સૌથી વધુ વરસાદ છે. IMD અનુસાર, મધ્ય ભારતમાં પ્રદેશની લાંબા ગાળાની સરેરાશ કરતાં 19 ટકા વધુ વરસાદ નોંધાયો છે, દક્ષિણ દ્વીપકલ્પમાં સામાન્ય કરતાં 14 ટકા વધુ અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં સામાન્ય કરતાં સાત ટકા વધુ વરસાદ નોંધાયો છે.


માહિતી અનુસાર, પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતમાં સામાન્ય કરતાં 14 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. દેશમાં જૂનમાં 11 ટકા ઓછો વરસાદ થયો હતો, પરંતુ જુલાઈમાં નવ ટકા વધુ વરસાદ થયો હતો. આ પછી ઓગસ્ટમાં 15.7 ટકા વધુ અને સપ્ટેમ્બરમાં 10.6 ટકા વધુ વરસાદ થયો હતો. ભારતમાં 2023માં ચોમાસાની સિઝનમાં 820 મીમી વરસાદ નોંધાયો હતો, જે લાંબા ગાળાની સરેરાશના 94.4 ટકા હતો. દેશમાં 2022 માં 925 મીમી વરસાદ નોંધાયો હતો, જે લાંબા ગાળાની સરેરાશના 106 ટકા હતો. વર્ષ 2021માં 870 મીમી અને 2020માં 958 મીમી વરસાદ નોંધાયો હતો.