Arvind Kejriwal CBI: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સીબીઆઈ દ્વારા દારૂ કૌભાંડ કેસમાં લગભગ 9 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન, તેમને એજન્સી દ્વારા 50 થી વધુ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ પછી અરવિંદ કેજરીવાલે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, આ લોકો આમ આદમી પાર્ટીને ખતમ કરવા માંગે છે. મુખ્યમંત્રીની પૂછપરછ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતાઓએ CBI ઓફિસની બહાર પ્રદર્શન કર્યું હતું. આગેવાનોએ સવાલ ઉઠાવ્યો હતો કે, લોકોએ ચૂંટેલા મુખ્યમંત્રીને કલાકો સુધી પૂછપરછ કરીને હેરાન કરવામાં આવે છે.
પરંતુ આ પહેલીવાર નથી જ્યારે કોઈ એજન્સીએ સીટીંગ સીએમને કલાકો સુધી પૂછપરછ કરી હોય. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ આવું બની ચુક્યું છે. વર્ષ 2010માં તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાત રમખાણોના મામલામાં એસઆઈટી દ્વારા તેમની 9 કલાક પૂછપરછ કરવામાં આવી હતી.
ગુજરાતમાં નરેન્દ્ર મોદી પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની જેમ ગુજરાતના તત્કાલિન સીએમ નરેન્દ્ર મોદીની પણ SIT દ્વારા 2010માં પૂછપરછ કરવામાં આવી હતી. 27 માર્ચ, 2010ના રોજ થયેલી આ પૂછપરછ પણ 9 કલાકથી વધુ સમય સુધી ચાલી હતી. નરેન્દ્ર મોદીને 2002ના ગુજરાત રમખાણો વિશે પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં SIT દ્વારા લગભગ 100 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ દરમિયાન મોદીએ SIT દ્વારા ઓફર કરવામાં આવેલી ચા લેવાની પણ ના પાડી દીધી હતી.
SITની પૂછપરછ બાદ તત્કાલિન સીએમ નરેન્દ્ર મોદીએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે, ગુજરાત રમખાણોની તપાસ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા SITની રચના કરવામાં આવી છે. SITએ મને પત્ર લખીને 27મીએ મળવાનું કહ્યું હતું. આજે હું SIT સમક્ષ હાજર થઈ રહ્યો છું. તેઓએ મારી સાથે વિગતવાર વાત કરી છે. તેઓએ જે પ્રશ્નો પૂછતા હતા તે હું જવાબ આપી રહ્યો હતો. મેં પહેલેથી જ કહ્યું છે કે, ભારતનું બંધારણ અને કાયદો સર્વોચ્ચ છે. એક નાગરિક અને મુખ્યમંત્રી હોવાના નાતે હું કાયદાથી બંધાયેલો છું. કોઈ પણ વ્યક્તિ કાયદાથી ઉપર ન હોઈ શકે.
શું હતો ગુજરાત રમખાણોનો મામલો?
ઓક્ટોબર 2001માં નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. થોડા મહિનાઓ બાદ જ ફેબ્રુઆરી 2002માં ગોધરા ખાતે સાબરમતી એક્સપ્રેસના એક ડબ્બામાં આગ લાગી હતી. જેમાં 59 કાર સેવકો માર્યા ગયા હતાં. ત્યાર બાદ એક સમુદાય પર આનો આરોપ લાગ્યો હતો. આ ઘટનાના પગલે ગુજરાતના ઘણા વિસ્તારોમાં રમખાણો ફાટી નિકળ્યા હતાં. ઘણા લોકોના ઘર સળગાવી દેવામાં આવ્યા અને સેંકડો લોકોની હત્યા કરવામાં આવી હતી. ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં હત્યાકાંડો થયા હતાં અને ઘણા લોકો હથિયારો વડે માર્યા ગયા. તો કેટલાકને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતાં. કેટલાક લોકો ખુલ્લા ઈલેક્ટ્રીક વાયર છોડીને મોતને ભેટ્યા હતા. આ રમખાણોમાં લગભગ એક હજાર લોકોના મોત થયા હતા, જેમાંથી 700થી વધુ મુસ્લિમ હતા.
ગુજરાત રમખાણોના મામલામાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, નરેન્દ્ર મોદીએ અધિકારીઓને હિંદુ ભાવનાઓને ભડકતી અટકાવવાની સૂચના આપી હતી. જે બાદ આ હત્યાકાંડ થયો હતો. જો કે, લાંબી કાનૂની લડાઈ અને તપાસ બાદ નરેન્દ્ર મોદીને આ મામલે ક્લીનચીટ મળી છે. ગુજરાત રમખાણોના કેસમાં તેમને સુપ્રીમ કોર્ટમાંથી ક્લીનચીટ પણ મળી છે. જો કે અરવિંદ કેજરીવાલની આ કાનૂની લડાઈ કેટલો સમય ચાલશે અને તેમને આ મામલે કેટલી રાહત મળશે તે હજુ કહી શકાય તેમ નથી.