PM Modi:દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં આયોજિત G-20 નેતાઓની સમિટમાં હાજરી આપ્યા બાદ, રવિવારે (23 નવેમ્બર, 2025) વડા પ્રધાન નરેન્દ્ર મોદી નવી દિલ્હી જવા રવાના થયા. દક્ષિણ આફ્રિકાના પીએમ મોદીના ત્રણ દિવસના પ્રવાસને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. દક્ષિણ આફ્રિકામાં આયોજિત પ્રથમ G20 સમિટમાં વડા પ્રધાન મોદીએ અનેક દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરી હતી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "G-20 સમિટમાં પોતાના કાર્યક્રમો અને વિશ્વ નેતાઓ સાથેની બેઠકો સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગથી રવાના થયા."
પીએમ મોદીએ G-20 સમિટ વિશે પોસ્ટ કરી
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરેલી પોસ્ટમાં, પીએમ મોદીએ કહ્યું, "જોહાનિસબર્ગમાં સફળ G-20 સમિટ એક સમૃદ્ધ અને ટકાઉ ગ્રહના નિર્માણમાં ફાળો આપશે. વિશ્વના નેતાઓ સાથેની મારી બેઠકો અને ચર્ચાઓ ખૂબ જ ફળદાયી રહી અને વિવિધ દેશો સાથે ભારતના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવશે." તેમણે ઉમેર્યું, "હું દક્ષિણ આફ્રિકાના અદ્ભુત લોકો, રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા અને દક્ષિણ આફ્રિકાની સરકારનો આ સમિટનું આયોજન કરવા બદલ આભાર માનું છું"
PM મોદીએ વિશ્વભરના અનેક દેશોના ટોચના નેતાઓ સાથે મુલાકાત કરી.
રવિવાર (23 નવેમ્બર, 2025) ના રોજ, પીએમ મોદીએ તેમના કેનેડિયન સમકક્ષ માર્ક કાર્ની, જાપાનના વડા પ્રધાન સના તાકાઈચી, ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની, દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા અને જમૈકા અને નેધરલેન્ડના તેમના સમકક્ષો સાથે મુલાકાત કરી. મોદીએ આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) ના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટાલિના જ્યોર્જિવા સાથે પણ વાતચીત કરી.
અગાઉ, જોહાનિસબર્ગમાં G20 સમિટના ત્રીજા સત્રને સંબોધિત કરતી વખતે, પ્રધાનમંત્રી મોદીએ આર્ટીફિશ્યલ ઇન્ટિલિજિન્સ (AI) ના દુરુપયોગને રોકવા માટે વૈશ્વિક કરાર માટે હાકલ કરી. મોદીએ કહ્યું કે ટેકનોલોજી એપ્લિકેશનો રાષ્ટ્રીય નહીં પણ વૈશ્વિક હોવી જોઈએ અને ચોક્કસ મોડેલોને બદલે ઓપન-સોર્સ અભિગમો પર આધારિત હોવી જોઈએ.
પ્રધાનમંત્રી મોદીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં સુધારા માટે ભારપૂર્વક હિમાયત કરતા કહ્યું કે ભારત, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા (IBSA) ના ત્રિપક્ષીય મંચએ સ્પષ્ટ સંદેશ આપવો જોઈએ કે વૈશ્વિક સંસ્થામાં પરિવર્તન હવે એક વિકલ્પ નથી, પરંતુ એક અનિવાર્યતા છે.
શનિવારે (22 નવેમ્બર, 2025) મોદીએ તેમના યુકે સમકક્ષ કીર સ્ટારમર, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન, દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગ, બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા અને અન્ય ઘણા વિશ્વ નેતાઓને પણ મળ્યા.
G20 સમિટમાં પીએમ મોદીનું આહ્વાન
પીએમ મોદીએ શનિવારે જી-20 નેતાઓની બેઠકના ઉદઘાટન સત્રને સંબોધિત કરતા વૈશ્વિક વિકાસના માનદંડો પર ઊંડાણ પૂર્વણ પુનવિચારણા કરવા આહવાન કર્યું હતુ અને માદક પદાર્થ આતંકવાદ ગઠજોડનો મુકાબલો કરવા માટે જી-20 પહેલ અને એક વૈશ્વિક સ્વાસ્થ્ય સેવા પ્રતિક્રિયા દળ બનાવવાનો પ્રસ્તાવ રાખ્યો હતો.