રોહતક: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ભાજપના મિશન હરિયાણાનો પ્રારંભ કરાવ્યો હતો. પીએમ મોદીએ રવિવારે હરિયાણાના રોહતકમાં જનસભાને સંબોધી હતી. જેમાં હરિયાણાની મનોહરલાલ ખટ્ટર સરકારના વખાણ કર્યા. પ્રધાનમંત્રી મોદીએ સરકારના બીજા કાર્યકાળના 100 દિવસની સિદ્ધિઓ વર્ણવી હતી. પીએમ મોદીએ કહ્યું સરકારના 100 દિવસ દેશમાં વિકાસ અને પરિવર્તન લાવ્યા છે.


આ દરમિયાન પીએમ મોદીએ હરિયાણા માટે બે હજાર કરોડ રૂપિયાની યોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે ચાલુ વર્ષે સંસદના સત્રમાં જેટલા બિલ પાસ થયા એટલું કામ સંસદના કોઇ સત્રમાં છેલ્લા છ દાયકામાં થયું નથી.

પીએમ મોદીએ કહ્યું, આ 100 દિવસ વિકાસ અને વિશ્વાસના રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં હરિયાણાને ભાજપની કેન્દ્ર અને રાજ્ય સરકારના ડબલ એન્જિનનો પૂર્ણ લાભ મળ્યો છે. કેન્દ્રની મદદથી હરિયાણામાં આશરે 25 હજાર કરોડ રૂપિયાના મોટા પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે.