નવી દિલ્હીઃ પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી ચૂકના મામલે રાજકીય આક્ષેપબાજીમાં કેન્દ્રીય મંત્રી ગીરિરાજ સિંહ પણ કૂદી પડ્યા છે. ગિરિરાજ સિંહે દાવો કર્યો કે, પંજાબમાં પીએમ મોદીની હત્યા પણ થઈ શકી હોત. વડાપ્રધાનને મોતના કૂવામાં ફસાવવા એ એક કાવતરુ હતુ પણ મહાદેવની કૃપાથી તેઓ બચી ગયા હતા. પીએમ મોદીની સ્નાઈપર રાયફલ કે પછી ડ્રોન વડે હત્યા પણ થઈ શકી હોત. જો ઉચ્ચ સ્તરની તપાસ કરવામાં આવે તો આ કાવતરાના તાર પંજાબના સીએમની ઓફિસ સુધી જ નહીં પણ તેની ઉપર જોડાયેલા મળી આવી શકે છે.
મોદીની સુરક્ષામાં થયેલી ચૂક મામલે સુપ્રીમ કોર્ટેમાં પણ અરજી થઈ છે. તેની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે, વડાપ્રધાન મોદીની પંજાબની યાત્રા સાથે સંકળાયેલા તમામ રેકોર્ડ સુરક્ષિત રાખવામાં આવે અને તેની યોગ્ય રીતે સુરક્ષા કરવામાં આવે. આ મામલામાં દાખલ કરવામાં આવેલી અરજીને સ્વીકારીને સુપ્રીમ કોર્ટે શુક્રવારે સુનાવણી કરવાનો નિર્ણય કર્યો હતો.
પંજાબ સરકારે ગુરૂવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ગંભીર ખામી અંગે બે સભ્યોની ઉચ્ચ સ્તરીય તપાસની રચના કરી હતી. કમિટી ત્રણ દિવસમાં પોતાનો રિપોર્ટ આપશે. પંજાબ સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે નિવૃત્ત જસ્ટિસ મહતાબ સિંહ ગિલ અને ગૃહ અને કાયદા બાબતોના મુખ્ય સચિવ અનુરાગ વર્મા વડા પ્રધાનની સુરક્ષામાં આટલી મોટી ભૂલ કેવી રીતે થઈ તે અંગે સંપૂર્ણ તપાસ કરશે. હુસૈનીવાલા જતી વખતે પીએમ મોદીનો કાફલો ફ્લાયઓવર પર અટવાઈ જવાની ઘટનાને કારણે રાજકીય ખળભળાટ મચી ગયો હતો. ભાજપે કોંગ્રેસ પર મોદીના જીવને જોખમમાં નાખવાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે.
કેન્દ્રીય ગૃહમંત્રાલયે સુરક્ષા ચૂક કેસની તપાસ માટે ત્રણ સભ્યોની કમિટીની રચનાની જાહેરાત કરી છે.ત્રણ સભ્યોની કમિટીની આગેવાની સુધીર કુમાર સક્સેના (સેક્રેટરી સિક્યોરિટી- કેબિનેટ સચિવાલય) કરશે અને તેમાં બલબીર સિંહ (સંયુક્ત ડાયરેક્ટર, આઇબી) અને એસ સુરેશ (આઇજી, એસપીજી) સામેલ છે.
આ પણ વાંચોઃ
કોરોનાની વેક્સિન લગાવ્યા પછી બાળક પેદા કરવાની ક્ષમતા જતી રહેશે ? મોદી સરકારે શું કહ્યું ?