નવી દિલ્હીઃ સવર્ણોને 10 ટકા અનામતની જાહેરાત બાદ આજે લોકસભામાં ચર્ચા થયા બાદ વોટિંગ કરવામાં આવ્યું હતું. AIADMK દ્વારા વોટિંગનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. વોટિંગ સમયે લોકસભામાં 326 સભ્યો હાજર રહ્યા હતા. અનામત બિલ પાસ થવાના સમર્થનમાં 319 સાંસદોનું સમર્થન હોવું જરૂરી હતું, જેની સામે 323 સભ્યોએ સમર્થન આપ્યું હતું. 3 સાંસદોએ બિલને સમર્થન આપ્યું નહોતું. વોટિંગ થયા બાદ સ્પીકરે શિયાળુ સત્ર સમાપ્ત થયાની જાહેરાત કરી હતી.
લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે મોટો માસ્ટર સ્ટ્રોક માર્યો હતો. કેન્દ્ર સરકારે સવર્ણોને આર્થિક આધાર પર શિક્ષણ અને સરકારી નોકરીમાં 10 ટકા અનામત સાથે જોડાયેલું 124મું સંવિધાન સંશોધન બિલ સંસદમાં રજૂ કર્યું હતું. કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગહલોતે આ બિલ ગૃહમાં બપોરે 12.30 વાગે રજૂ કર્યું હતું અને સાંજે 5 વાગે તે વિશે ચર્ચા શરૂ થઈ હતી. ચર્ચા દરમિયાન કોંગ્રેસે બિલનો વિરોધ કરીને સંયુક્ત સંસદીય સમિતિ પાસે મોકલવાની માંગ કરી હતી.
લોકસભામાં બોલતાં તેમણે જણાવ્યું કે, આ અનામત સૌનો સાથ, સૌનો વિકાસ છે. જો કોઈ કોર્ટમાં તેનો વિરોધ કરશે તો કોર્ટ તેની વાત નહીં સાંભળે. આ જોગવાઈમાં શબ્દ ઓછા છે પરંતુ તેનો લાભ ઘણા લોકોને મળશે. આ જોગવાઈનો ફાયદો મુસ્લિમ-ખ્રિસ્તીઓ સહિત તમામ ધર્મોના લોકોને મળશે. ભારત સરકાર અને રાજ્ય સરકારની સેવાઓમાં 10 ટકા અનામત આપવાનો અધિકાર હશે. આ ઉપરાંત ખાનગી ક્ષેત્રની નોકરીઓમાં આર્થિક રીતે નબળા સામાન્ય વર્ગના લોકોને 10 ટકા અનામત આપશે
બિલ પર ચર્ચા દરમિયાન નાણા મંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે,અનામતને લઈ હજુ સુધી યોગ્ય રસ્તાથી કોશિશ થઈ નથી. આ બિલને લઈ રાજ્યોની વિધાનસભામાં જવાની જરૂર નથી. આ પહેલા અનામત એસસી-એસટી માટે હતું ત્યારે કોઈ વિવાદ થયો નહોતો. હવે બિલનું સંસદમાં પાસ થવું જરૂરી છે. તમામ વર્ગના લોકોને સમાન લાભ દેવાનો સરકારનો પ્રયત્ન છે. સરકાર બિલ દ્વારા સમાજમાં બરાબરી લાવવાની કોશિશ કરી રહી છે.
કોંગ્રેસના કે વી થોમસે કહ્યું કે, અમે આ ક્વોટા બિલનું સમર્થન કરીએ છીએ, અમે તેની વિરોધમાં નથી. પરંતુ જે રીતે તેને લાવવામાં આવ્યું છે તેની ગંભીરતા ઉપર સવાલ ઉઠી રહ્યા છે. મારી વિનંતી છે કે તેને પહેલાં જેપીસી પાસે મોકલવામાં આવે.
CPMના મોહમ્મદ સલીમે બિલના વિરોધ કરતાં કહ્યું કે, શું બિઝનેસ એડવાઈઝરી કમિટીમાં આ બિલ માટે સમય નક્કી કરવામાં આવ્યો હતો. તેની પર સ્પીકરે કહ્યું કે, સમય નક્કી કરવાનું ચેરનું કામ છે અને તમે લોકો સહમત હોવ તો બે કલાકમાં ગૃહની કાયવાહી વધારવામાં આવે.
AIADMK સાંસદ થંબીદુરાઈએ કહ્યું કે, સામાજિક રીતે નબળા લોકો માટે અનામતની ખૂબ જરૂરી હતું. સરકારે પહેલા સામાજિક રીતે પછાત લોકોને સશક્ત કરવા જોઈએ. જાટ, પટેલથી લઈ ઓબીસીના અનેક વર્ગો અનામતની માંગ કરી રહ્યા છે અને જો તમામને સામેલ કરવામાં આવે તો મર્યાદા 70 ટકા સુધી જતી રહેશે. તમારી સરકારે ગરીબો માટે અનેક યોજનાઓ લાગુ કરી છે. જો તમે ગરીબોને અનામત આપવા જઈ રહ્યા છો તો સરકારની આ યોજનાઓથી શું ફાયદો થયો ? તેનાથી સ્પષ્ટ થાય છે કે સરકારની તમામ યોજનાઓ નિષ્ફળ ગઈ છે.
રામ વિલાસ પાસવાને કહ્યું કે, મને સરકારના આ ફેંસલા પર ઘણી ખુશી છે. બિલથી થનારા લાભ અંગે જણાવવા બદલ હું અરૂણ જેટલીને ધન્યવાદ આપવા માંગુ છું. ખાનગી સેક્ટરમાં પણ 60 ટકા અનામત રાખવું જોઈએ. દેશના આગામી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ બનશે તેમ પણ તેમણે કહ્યું હતું.
સમાજવાદી પાર્ટીએ પણ બિલનું સમર્થન કર્યું હતું. સપા સાંસદ ધર્મેન્દ્ર યાદવે કહ્યું કે, અનામત વસતીના આધારે મળવું જોઈએ. લાલુ પ્રસાદ યાદવાની પાર્ટી આરજેડીએ બિલનો વિરોધ કર્યો છે. સંસદમાં પાર્ટી નેતા જય પ્રકાશ નારાયણ યાદવે કહ્યું કે, પછાતોને 85 ટકા અનામત મળવું જોઈએ. સવર્ણ અનામત એક દગો છે.
આમ આદમી પાર્ટીના સાંસદ ભગવંત માને કહ્યું કે, જો બીજેપીના દિલમાં ગરીબો પ્રત્યે સન્માન હોત તો પહેલા વર્ષે જ બિલ લઈને આવત. પરંતુ ચૂંટણી આવી રહી છે ત્યારે લઈને આવ્યા છે. આ એક ચૂંટણી સ્ટંટ છે. આ એક જુમલો છે. અમે બિલનું સમર્થન કરીએ છીએ પરંતુ જો તેમની દાનત સારી હોય તો પાસ કરાવે. પરંતુ આ બિલ રાજ્યસભામાં પાસ નહીં થાય. ભાજપ જુમલા પાર્ટી છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને આરએલએસપી સુપ્રીમો ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું કે, અનામતની સમૃદ્ધિ ન આવી શકે. યુવા પેઢીની ઊર્જા ખોટી જગ્યાએ જઈ શકે છે.