નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ આજે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. મોદીએ કહ્યું કે, ઉજ્જવલા યોજનાને સમાજમાં ફેરફાર લઇને આવી છે. આ યોજનાના ચાર કરોડ લાભાર્થીઓમાંથી 45 ટકા દલિતો અને આદિવાસીઓ છે. મોદી સરકારની મહત્વની કલ્યાણકારી આ યોજનાનો ઉદ્દેશ્ય ગરીબ પરિવારો સુધી એલપીજી સિલેન્ડર પહોંચાડવાનો છે. યોજનાના લાભાર્થીઓ સાથેની વાતચીતમાં મોદીએ કહ્યું કે, તેમની સરકારમાં દલિતોને મળેલા ફાયદાની સરખામણી કોગ્રેસના નેતૃત્વની યુપીએ સરકાર હેઠળ મળેલા ફાયદાઓ સાથે કરી હતી.
મોદીએ કહ્યું કે, યુપીએ સરકાર દરમિયાન 2010-14માં દલિતોને 445 પેટ્રોલ પંપ મળ્યા જ્યારે તેમની સરકારમાં 2014-18 દરમિયાન તેને 1200 અધિક મળ્યા છે. જ્યારથી લોકોને ઉજ્જવલા યોજના હેઠળ લાભ મળવાની શરૂઆત કરી ત્યારથી સમાજમાં એક મોટો ફેરફાર થયો છે. 2014 સુધી 13 કરોડ પરિવારોને એલપીજી કનેક્શન મળ્યા છે. જેનો અર્થ થયો છે છ દાયકામાં આ આંકડો 13 કરોડ પર પહોંચ્યો હતો. છેલ્લા ચાર વર્ષોમાં 10 કરોડ નવા કનેક્શન આપવામાં આવ્યા અને ગરીબોને લાભ પહોચાડવામાં આવ્યો. હવે 70 ટકા ગામમાં એલપીજીની પહોંચ 100 ટકા છે અને 81 ટકા ગામમાં 75 ટકા વધુ છે.
મોદીએ કહ્યું કે, સ્વચ્છ ઇંધણથી સ્વસ્થ ભારતનું નિર્માણ થઇ રહ્યું છે. ગ્રામ સ્વરાજ યોજના દરમિયાન એક દિવસમાં 11 લાખ લોકોને એલપીજી કનેક્શન મળ્યા. કાશ્મીરના અનંતનાગમાં મહિલાઓના એક જૂથે કહ્યું કે, આ રમઝાન મહિનો ચાલી રહ્યો છે. અમે રોજ પવિત્ર કુરાન વાંચીએ છીએ. અમે રોજ તમારા માટે દુઆ કરીએ છીએ અને અમને આશા છે કે તમે વડાપ્રધાન ફરીથી બનશો.