નવી દિલ્હીઃ ઇગ્લેન્ડ અને જર્મની પ્રવાસ પર ગયેલા કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યા દેશ છોડ્યા અગાઉ બીજેપીના કેટલાક નેતાઓ સાથે મુલાકાત કરી હતી. લંડનમાં ઇન્ડિયન જર્નાલિસ્ટ્સ એસોસિયેશન સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, દેશ છોડતા અગાઉ માલ્યાએ વરિષ્ઠ બીજેપી નેતાઓની મુલાકાત કરી હતી અને આ દસ્તાવેજમાં નોંધાયેલી વાત છે.


જોકે, રાહુલે તે નેતાઓના નામ આપવાનો ઇનકાર કર્યો હતો. વિજય માલ્યા 2016માં ભારત છોડ્યા બાદથી ઇગ્લેન્ડમાં રહે છે. ભારત સરકારે ઇગ્લેન્ડથી માલ્યાના પ્રત્યાર્પણની કાર્યવાહી કરી રહી છે. આ સંબંધમાં સીબીઆઇએ લંડનમાં કોર્ટમાં મુંબઇના આર્થર રોડ જેલનો આઠ મિનિટનો વીડિયો રજૂ કર્યો હતો.

રિપોર્ટ અનુસાર, માલ્યાને આર્થર રોડ જેલમાં ટીવી, પર્સનલ ટોઇલેટ, ફરવાની જગ્યા, સ્વસ્છ બેડ મળશે. જેલમાં સુવિધાઓ આપવાના સવાલ પર રાહુલે કહ્યું કે, ભારતીય જેલ મુશ્કેલ જગ્યા છે પરંતુ માલ્યા જેવા ભાગેડુને અલગ રીતે ટ્રીટ કરવો જોઇએ નહીં.