PM Modi Talks Rishi Sunak: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુકેના વડાપ્રધાન ઋષિ સુનક સાથે વાતચીત કરી હતી. સાથે તેમણે કહ્યું હતું કે આપણે બંને દેશોના સંબંધોને વધુ મજબૂત કરીશું. તેમણે ટ્વીટ કર્યું હતું કે આજે યુકેના વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળવવા બદલ ઋષિ સુનકને અભિનંદન. અમે અમારી વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા સાથે મળીને કામ કરીશું. અમે વ્યાપક અને સંતુલિત FTAને લઇને નિષ્કર્ષ પર પહોંચવાના મહત્વને લઇને સહમત થયા છીએ.






યુકેના પીએમ ઋષિ સુનકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. તેમણે ટ્વિટ કર્યું હતું કે યુકે અને ભારત ઘણું બધું શેર કરે છે. અમે અમારી સુરક્ષા, સંરક્ષણ અને આર્થિક સંબંધોને મજબૂત કરવાનું ચાલુ રાખીશું. આપણી બે મહાન લોકશાહીઓ શું કરી શકે તેને લઇને હું ખૂબ ઉત્સાહિત છું. નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સોમવારે (24 ઓક્ટોબર) ઋષિ સુનકને ટૅગ કરીને ટ્વીટ કર્યું હતું કે, "બ્રિટનના વડાપ્રધાન બનવા બદલ તમને અભિનંદન.  વૈશ્વિક મુદ્દાઓ પર સાથે મળીને કામ કરવા અને 2030ના રોડમેપને લાગુ કરવાની હું આશા રાખું છું. જેમ કે આપણે આપણા ઐતિહાસિક સંબંધોને એક આધુનિક ભાગીદારીમાં બદલીએ છીએ, બ્રિટનના ભારતીયોને દિવાળીની વિશેષ શુભેચ્છાઓ.






ઋષિ સુનકે શું વચન આપ્યું હતું?


ઋષિ સુનકે મંગળવારે (25 ઑક્ટોબર) ભારતીય મૂળના પ્રથમ બ્રિટિશ વડાપ્રધાન તરીકે પદભાર સંભાળ્યો હતો. તેમણે વચન આપ્યું હતું કે તે સંકટગ્રસ્ત દેશની જરૂરિયાતોને રાજનીતિથી ઉપર રાખશે અને તેમના પુરોગામી દ્વારા કરવામાં આવેલી "ભૂલો સુધારવા"નું વચન આપ્યું હતું. દિવાળીના દિવસે કન્ઝર્વેટિવ પાર્ટીના નવા નેતા તરીકે સુનકને બિનહરીફ ચૂંટવામાં આવ્યા હતા. યુકેના ભૂતપૂર્વ નાણા પ્રધાન સુનક (42) હિંદુ છે અને તેઓ છેલ્લા 210 વર્ષમાં બ્રિટનના સૌથી યુવા વડાપ્રધાન છે. સુનકે પ્રથમ સંબોધનમાં કહ્યું હતું કે તેમણે એવા સમયે પદ સંભાળ્યું જ્યારે બ્રિટન "ગંભીર આર્થિક સંકટ" નો સામનો કરી રહ્યું છે. તેમણે આ માટે કોવિડ મહામારી અને રશિયન અને યુક્રેન યુદ્ધને જવાબદાર ગણાવ્યું અને આશા વ્યક્ત કરી કે તે આ પડકારોનો સામનો કરવામાં સફળ રહેશે.