દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણે સરકારની ચિંતા પણ હવે વધારી છે. ભારતમાં કોરોના સંક્રમણ હાલ બેકાબૂ બન્યું છે. છેલ્લા 24 કલાકમાં 2,74 લોકો સંક્રમિત થયા તો 1, 619 લોકોએ જીવ ગૂમાવ્યાં છે.


દેશમાં કોરોના મહામારીએ (Coroanvirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. સતત પાંચમા દિવસે ભારતમાં કોરોનાના 2 લાખથી વધારે કેસ નોંધાયા હતા અને 1,000થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઉપરાંત એક્ટિવ કેસનો આંકડો 19 લાખને પાર થઈ ગયો છે.  છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે. આ સ્થિતિમાં આજે પીએમ મોદી દેશના ડોક્ટર સાથે સંવાદ કરશે.


મહામારીના પ્રકોપના કારણે સ્વાસ્થ્ય વ્યવસ્થા ડિસ્ટર્બ થઇ ગઇ છે. દરેક રાજ્યોની હોસ્પિટલ્સની હાલત દયનીય છે. ક્યાંક બેડ ખૂટી પડ્યાં છે તો ક્યાંક ઓક્સિજનની અછત દર્દીના સ્વજનનો શ્વાસ અધ્ધર કરી રહી છે. આ સ્થિતિમાં ખાસ કરીને દેશની સ્વાસ્થય વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે આજે પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી ડોક્ટર સાથે સંવાદ કરશે.


કોરોનાના આંકડામાં આવી રહેલો આ ઉછાળો ખૂબ જ ચિંતાજનક છે. મહારાષ્ટ્ર બાદ હવે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પણ કોરોનાના રેકોર્ડ કેસ નોંધાઈ રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે ભારતમાં કોવિડ-19ના દૈનિક કેસમાંથી 82 ટકાથી વધુ કેસ 10 રાજ્યોમાંથી જ છે. તેમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. 


દેશની આ હાલતનો જોતા સમગ્ર દેશમાં લોકડાઉનની અટકળો ચાલી રહી છે. આ બધા જ વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે પ્રતિબંધો લગાવવાનો નિર્ણય રાજ્યો પર સોંપ્યો છે. અમિત શાહે કર્યું કે,  સ્થિતિની સમીક્ષા કરીને  દરેક રાજ્યો પોતાની રીતે પ્રતિબંધો લગાવી શકે છે અને  નિર્ણય લઇ શકે છે.