નવી દિલ્હીઃ કોરોનાનો કહેર ઓછો થવાનું નામ જ નથી લઈ રહ્યો. દેશમાં અત્યાર સુધીમાં 511 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાંથી 10 લોકોના મોત થયા છે. કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત મહારાષ્ટ્ર અને કેરળ છે. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદી ફરી એકવખત દેશને સંબોધન કરશે. પીએમ મોદીએ ગત ગુરુવારે રાતે પણ દેશને સંબોધન કર્યુ હતું. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું, વૈશ્વિક મહામારી કોરોના વાયરસના વધતા પ્રકોપને ધ્યાનમાં રાખી આ અંગેની કેટલીક મહત્વપૂર્ણ જાણકારીની દેશવાસીઓ સાથે ચર્ચા કરીશ. આજે 24 માર્ચ, રાત્રે 8 કલાકે દેશને સંબોધન કરીશ. કોરોના વાયરસના કારણે 32 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો પૂરી રીતે લોકડાઉન છે. કેન્દ્ર સરકારે જણાવ્યું કે, દેશના 560 જિલ્લા પૂરી રીતે લોકડાઉન છે. પ્રધાનમંત્રી મોદીએ ગત ગુરુવારે પણ કોરોના વાયરસને લઈ દેશવાસીઓને સંબોધન કર્યુ હતું. જેમાં તેમણે રવિવાર, તા. 22 માર્ચ, 2020ના રોજ સવારે 7 થી રાતના 9 વાગ્યા સુધી જનતા કર્ફ્યુની અપીલ કરી હતી. જેને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો હતો.