નવી દિલ્હીઃ ચીનથી શરૂ થયેલો કોરોના વાયરસે હાલમાં દુનિયાભરમાં પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. ભારતમાં પણ દોઢ હજારથી વધુ લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવી ચૂક્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં સ્થિતિ ઝડપથી બદલાઇ રહી છે. આ વચ્ચે વડાપ્રધાન મોદી ફરી એકવાર તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશે. ગુરુવારે વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સિંગ મારફતે મુખ્યમંત્રીઓ સાથે વાત કરશે જેમાં કોરોનાની વર્તમાન સ્થિતિ પર ચર્ચા થશે.



આ બીજી વખત હશે જ્યારે વડાપ્રધાન તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરશે. આ અગાઉ દેશમાં 21 દિવસનું લોકડાઉન લાગુ કર્યા બાદ વાત કરી હતી. વડાપ્રધાન મોદી કોરોના વાયરસને લઇને બે વખત દેશને સંબોધિત કરી ચૂક્યા છે. એક વખત જનતા કર્ફ્યૂની જાહેરાત કરી હતી જ્યારે બીજી વખતે દેશમાં 21 દિવસનું લોકડાઉનની જાહેરાત કરી હતી.