નવી દિલ્હીઃ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસના અવસર પર વડાપ્રધાન મોદીએ આજે વીડિયો કોન્ફ્રસિંગ મારફતે દેશભરના સરપંચો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ ઇ-ગ્રામસ્વરાજ પોર્ટલ અને મોબાઇલ એપ્લિકેશનનું ઉદ્ધાટન કર્યું હતું. વડાપ્રધાને કહ્યુ કે, કોરોનાએ આપણા તમામનું કામ કરવાની રીત બદલી દીધી છે. અગાઉ આપણે કોઇ કાર્યક્રમ સામ-સામે રહીને કરતા હતા પરંતુ આજે તે કાર્યક્રમ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે કરવો પડી રહ્યો છે.
વડાપ્રધાન મોદીએ કહ્યુ કે કોરોના સંકટે આપણને સૌથી મોટો સંદેશ આપ્યો છે કે આપણે આત્મનિર્ભર બનવું પડશે. ગામ પોતાની મૂળભૂત જરૂરિયાતો માટે આત્મનિર્ભર બને. જિલ્લા પોતાના સ્તર પર, રાજ્ય પોતાના સ્તર પર અને આ રીતે આખો દેશ કેવી રીતે આત્મનિર્ભર બને તે ખૂબ જરૂરી બની ગયું છે. એક સમયે જ્યારે દેશની 100થી વધુ પંચાયતો બ્રોન્ડબેન્ડથી જોડાઇ હતી. હવે સવા લાખથી વધુ પંચાયતો સુધી બ્રોન્ડબેન્ડ પહોંચી ચૂક્યું છે. એટલું જ નહી ગામમાં કોમન સર્વિસ સેન્ટરોની સંખ્યા ત્રણ લાખને પાર કરી ચૂકી છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સરકારે ભારતમાં જ મોબાઇલ બનાવવાનું જે અભિયાન ચલાવ્યુ છે તેનું પરિણામ છે કે આજે ગામ ગામ સુધી ઓછી કિંમતમાં સ્માર્ટફોન પહોંચી ચૂક્યા છે. આ કોરોના સંકટે બતાવી દીધું છે કે દેશના ગામમાં રહેનારા લોકો આ દરમિયાન પોતાના સંસ્કારો અને પોતાની પરંપરાઓની શિક્ષણનું દર્શન કરાવ્યા છે.
તેમણે કહ્યુ કે, આટલું મોટુ સંકટ આવ્યું છે. આટલી મોટી વૈશ્વિક મહામારી આવી પરંતુ આ બે-ત્રણ મહિનામાં આપણે જોયું કે ભારતના નાગરિક, સીમિત સંસાધનો વચ્ચે, અનેક મુશ્કેલીઓ સામે ઝૂકવાના બદલે ટકરાઇ રહ્યા છે.