નવી દિલ્હી: આજે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી ગરીબ પ્રવાસી શ્રમિકો માટે 50 હજાર કરોડ રૂપિયાની રોજગાર ગેરંટી યોજનાની શરૂઆત કરશે. આ યોજનાનું નામ ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન છે.


કોરોના વાયરસની મહામારીને લઈને કેંદ્ર સરકારે 22 માર્ચથી 31 મે સુધી દેશમાં લોકડાઉન લાગૂ કર્યું હતું. તેને લઈને પ્રવાસી મજૂરો શહેરોમાંથી ગામડાઓમાં પરત ફર્યા છે. ગામડાઓમાં મજૂરોને બે સમયના ભોજન માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મજૂરોની આ સમસ્યાને જોતા ગરીબ કલ્યા રોજગાર અભિયાન નામની આ યોજના એ છ રાજ્યો પર કેંદ્રીત રહેશે, જ્યાં સૌથી વધુ પ્રવાસી મજૂરો પરત ફર્યા છે.

ગુરૂવારે નાણા મંત્રી નિર્મલા સીતારમણે આ યોજના વિશે જાણકારી આપતા કહ્યું હતું કે આ મોટી યોજનાથી ઘરે પરત ફરેલા શ્રમિકોને સશક્ત કરવામાં આવશે. તેમણે આગળ કહ્યું હતું કે સ્કીમથી મજૂરોને 125 દિવસનો રોજગાર મળશે.

નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું આ યોજના માટે બિહાર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ અને ઓરિસ્સાના 116 જિલ્લામાં પ્રત્યેક રાજ્યમાંથી 25-25 હજાર શ્રમિકોની પસંદગી કરવામાં આવી છે. આ જિલ્લામાં આશરે 66 ટકા મજૂરો પરત ફર્યા છે.

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર અને ઉપ મુખ્યમંત્રી સુશીલ મોદીની હાજરીમાં વીડિયો કૉન્ફરન્સના માધ્મથી આજે ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનની શરૂઆત કરશે.