નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સંસદના નવા ભવનના શિલાન્યાસ કરશે. આશરે 80 વર્ષ બાદ દેશમાં સંસદની નવી ઇમારતનું નિર્માણ થશે. પરંતુ ભૂમિ પૂજન અને શિલાન્યાસ બાદ પણ ઇમારતનું નિર્માણ કાર્ય શરૂ નહીં થઈ શકે. સુપ્રીમ કોર્ટે નવા સંસદ ભવન સહિત મહત્વની સરકારી ઇમારતોવાળા સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટમાં કોઇપણ પ્રકારના નિર્માણ પર હાલ રોક લગાવી રાખી છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંતર્ગત જ્યાં સુધી કોઈ પેન્ડિંગ અરજીઓ પર અંતિમ ચુકાદો ન સંભળાવવામાં આવે ત્યાં સુધી કન્સ્ટ્રક્શન, તોડફોડ કે વૃક્ષ કાપવાનું કામ ત્યાં સુધી ન થવું જોઈએ  કોર્ટે શિલાન્યાસ પર પ્રતિબંધ લગાવ્યો નથી.

લોકસભા સ્પીકર ઓમ બિરલાએ થોડા દિવસ પહેલા જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 ડિસેમ્બરે 1 વાગ્યે દિલ્હીમાં સંસદ ભવનના નવા બિલ્ડિંગનું ભૂમિપૂજન કરશે. બિરલાએ કહ્યું હતું કે 2022માં દેશની આઝાદીનાં 75 વર્ષ પૂરાં થવા પર અમે નવા સંસદભવનમાં બંને ગૃહોનાં સત્રની શરૂઆત કરીશું. સંસદનું નવુ ભવન 64,500 વર્ગમીટર ક્ષેત્રમાં હશે અને તેના નિર્માણ પર કુલ 971 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અનુમાન છે.

નવા ભવનમાં લોકસભા સાંસદો માટે લગભગ 888 અને રાજ્યસભા સાંસદો માટે 326થી વધુ સીટો હશે. પાર્લમેન્ટ હોલમાં 1224 સભ્ય એકસાથે બેસી શકશે.  સાંસદોને પેપર લેસ ઓફિસની સાથે લાઉન્જ, લાયબ્રેરી અને સમિતિઓ બેઠક ખંડની સાથે જ તમામ પ્રકારની સુવિધાઓ મળશે. સંસદ ભવનમાં તમામ ડિજિટલ સુવિધાઓ હશે.