નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી પોતાના બીજા કાર્યકાળમાં પોતાની પ્રથમ દ્વિપક્ષીય યાત્રા માટે આજે માલદીવ જશે અને ત્યારબાદ માલદીવથી રવિવારે શ્રીલંકા જશે. પીએમ મોદી માલદીવમાં સંસદને સંબોધિત કરશે. માલદીવના વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહિદે ટ્વિટ કરીને કહ્યું માલદીવની સંસદે સર્વસમ્મતિથી પ્રસ્તાવ પાસ કરી પ્રધાનમંત્રી મોદીને તેમની આગામી માલદીવ યાત્રા દરમિયાન સદનની બેઠકને સંબોધિત કરવા માટે આમંત્રણ આપ્યું છે. 2011માં તત્કાલીન પીએમ મનમોહન સિંહે માલદીવનો પ્રવાસ કર્યો હતો.


સંસદના સ્પીકર ચૂંટાયેલા પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે મંગળવારે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ મોહમ્મદ સોલિહે પીએમ મોદીને માલદીવ સંસદને સંબોધિત કરવા માટે આમંત્રણ આપ્યું છે. પીએમ મોદીએ 2018માં રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ મોહમ્મદ સોલિહના શપથગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે માલદીવનો પ્રવાસ કર્યો હતો. બાદમાં ડીસેમ્બરમાં સોલિહ ભારત આવ્યા હતા.

માલદીવ અને શ્રીલંકા જતા પહેલા પીએમ મોદીએ શુક્રવારે કહ્યું માલદીવ અને શ્રીલંકાની યાત્રાથી ભારત દ્વારા પડોશી પહેલાની નીતિને મહત્વ આપવાનું પ્રતિબિંબ થાય છે અને તેનાથી દરિયાથી ઘેરાયેલા બંને દેશો સાથે દ્વિપક્ષીય સંબંધો વધારે મજબૂત થશે.