પ્રધાનમંત્રી મોદી આજથી ચાર દિવસ માટે અમેરિકાના પ્રવાસ માટે રવાના થશે. છેલ્લા છ મહિનામાં પ્રધાનમંત્રીનો આ પ્રથમ વિદેશ પ્રવાસ છે. જોકે કોરોનાકાળમાં પ્રધાનમંત્રી મોદીનો બીજો પ્રવાસ છે. છેલ્લે ગત માર્ચ મહિનામાં પ્રધાનમંત્રી બાંગ્લાદેશના પ્રવાસે ગયા હતાં. પ્રધાનમંત્રી સાથે NSA અજિત ડોભાલ, વિદેશ મંત્રી સહિતનું એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધીમંડળ પણ અમેરિકા પ્રવાસે જશે.


કાર્યક્રમ અંતર્ગત અમેરિકી રાષ્ટ્રપતિ, ક્વાડ સંમેલન અને સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં ભાગ લેશે. વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ પ્રધાનમંત્રીના વિદેશ પ્રવાસે અંગે જાણકારી આપી હતી. વિદેશ સચિવે કહ્યું કે પ્રધાનમંત્રી મોદી અમેરિકી રાષ્ટ્રપતિએ આયોજીત કરેલી કોવિડ-19 વૈશ્વિક શિખર સંમેલનમાં ભાગ લેશે. તો 24 સપ્ટેમ્બરના દ્વિપક્ષીય બેઠક મળશે. જેમાં પ્રધાનમંત્રી અને અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડન ભારત- અમેરિકા વચ્ચેના સબંધોની સમીક્ષા કરશે.


વધુમાં કહ્યું કે બંને નેતાઓ વચ્ચે વ્યાપાર અને રોકાણ સંબંધો, રક્ષા અને અને સુરક્ષા સહયોગને મજબૂત કરવા પર વિસ્તૃત ચર્ચા થશે. તો આ બેઠકમાં અફઘાનિસ્તાનમાં તાજેતરમાં થયેલા મોટા ફેરફાર બાદ વર્તમાન ક્ષેત્રીય સુરક્ષા સ્થિતિ પર પણ ચર્ચા કરવામાં આવશે. ઉપરાંત કટ્ટરપંથ, ઉગ્રવાદ, સરહદ પાર આતંકવાદ અને વૈશ્વિક આતંકી નેટવર્કને ખતમ કરવાની આવશ્યકતા પર પણ ચર્ચા થશે.


23 સપ્ટેમ્બરના રોજ પ્રથમ પ્રધાનમંત્રી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે મુલાકાત કરશે. 24 સપ્ટેમ્બરના મળનારી ક્વાડ સમીટમાં પ્રધાનમંત્રી મોદી, જાપાનના પ્રધાનમંત્રી યોશીહિંદે સુગા, ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસ પણ ભાગ લેશે. ચાર દેશો વચ્ચે મળનારી આ ક્વાડ સમીટ પર ચીનની નજર રહેશે.


વોશિંગ્ટનમાં બેઠક કર્યા બાદ 25 સપ્ટેમ્બરના પ્રધાનમંત્રી સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં ભાગ લેવા વોશિંગ્ટનથી ન્યૂયોર્ક જશે. જ્યાં સંયુક્ત રાષ્ટ્ર પરિષદને સંબોધન કરશે.


ડેમોક્રેટિક પાર્ટીના નેતા જો બાઈડને સત્તા સંભાળ્યા બાદ આ પ્રથમ વખત બંને નેતાઓ વચ્ચે મુલાકાત થશે. અત્યાર સુધી બંને નેતાઓ વચ્ચે ઘણીવાર વર્ચ્યુઅલ વાતચીત કરી ચૂક્યા છે.