નવી દિલ્હી: ભારત સરકારે એર માર્શલ વીઆર ચૌધરીની વાયુસેનાના નવા પ્રમુખ તરીકે નિમણૂક કરવાનો નિર્ણય કર્યો છે. વિવેક આર ચૌધરી વર્તમાનમાં વાઇસ ચીફ ઓફ એર સ્ટાફની જવાબદારી સંભાળી રહ્યા છે. હાલના વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયા 30 સપ્ટેમ્બરે નિવૃત થઈ રહ્યા છે.વિવેક આર ચૌધરી પોતાના નિવેદન માટે પણ જાણીતા છે. વીઆર ચૌધરી ચોખ્ખુ અને સટિક બોલનારા વ્યક્તિ છે. ખામીઓએ તુરંત જણાવી આપે છે. તાજેતરમાં જ એક કાર્યક્રમાં નિવેદન આપ્યું હતું કે, ઇસરોની સેટેલાઇટ વાયુસેનાની જરૂરીયાતોને પૂરી કરી રહી નથી. ભારતમાં સંપૂર્ણ સ્પેસ ઇકો-સિસ્ટમ સિવિલ સિસ્ટમની છે. તેમાં મિલિટ્રી-ભાગીદારીની કમી છે. તેવામાં દેશમાં સશસ્ત્ર સેનાઓ માટે નેક્સ્ટ-જનરેશન સ્પેસ ટેક્નોલોજીનો અભાવ છે.
એર માર્શલ વીઆર ચૌધરીને સૈન્ય પુરસ્કાર 'અતિ વિશિષ્ઠ સેવા મેડલ' આપીને સન્માનિત કરવામાં આવી ચૂક્યા છે. આ પુરસ્કાર ઉત્તમ યુદ્ધ સેવા મેડલની સમકક્ષ માનવામાં આવે છે. વેસ્ટર્ન એર કમાન્ડના ચીફ તરીકે એર માર્શલ વિવેક ચૌધરીની પોસ્ટિંગ એવા સમય પર થઈ હતી, જ્યારે પૂર્વીય લદ્દાખમાં લાઈન ઓફ એક્ચ્યૂઅલ કંટ્રોલ પર ભારત અને ચીનની સરહદો વચ્ચે ખૂબ વિવાદ વધી ગયો હતો.
એર માર્શલ વિવેક રામ ચૌધરીને એર માર્શલ હરજીત સિંહ અરોરાની જગ્યાએ આ વર્ષે જૂનમાં ભારતીય વાયુસેનાના ડેપ્યુટી ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. અગાઉ તેમણે IAF ના વેસ્ટર્ન એર કમાન્ડ (WAC) ના કમાન્ડર-ઇન-ચીફ તરીકે સેવા આપી હતી, જે સંવેદનશીલ લદાખ ક્ષેત્ર તેમજ ઉત્તર ભારતના અન્ય વિવિધ ભાગોમાં દેશના હવાઈ ક્ષેત્રની સુરક્ષાની દેખરેખ રાખે છે.
નેશનલ ડિફેન્સ એકેડમીના ભૂતપૂર્વ વિદ્યાર્થી એર માર્શલ ચૌધરીને 29 ડિસેમ્બર 1982 ના રોજ ભારતીય વાયુસેનાના લડાયક પ્રવાહમાં સામેલ કરવામાં આવ્યા હતા. 38 વર્ષની લાંબી પ્રતિષ્ઠિત કારકિર્દીમાં અધિકારીએ IAF માં વિવિધ પ્રકારના ફાઇટર અને ટ્રેનર વિમાનો ઉડાવ્યા છે. તેમની પાસે મિગ -21, મિગ -23 એમએફ, મિગ 29 અને સુખોઇ -30 એમકેઆઇ ફાઇટર એરક્રાફ્ટ પર ઓપરેશનલ ફ્લાઇટ સહિત 3,800 કલાકનો ઉડાનનો અનુભવ છે.
એર માર્શલ ચૌધરીએ ઘણા મહત્વના હોદ્દાઓ પર સેવા આપી છે. તે ફ્રન્ટલાઈન ફાઈટર સ્ક્વોડ્રનના કમાન્ડિંગ ઓફિસર હતા અને ફ્રન્ટલાઈન ફાઈટર બેઝની કમાન પણ સંભાળી હતી.