IAC Vikrant: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 સપ્ટેમ્બરના રોજ દેશના પ્રથમ સ્વદેશી નિર્મિત એરક્રાફ્ટ કેરિયર (IAC) વિક્રાંતને કાર્યરત કરાવશે. આ અંગે સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદી કોચીન શિપયાર્ડ લિમિટેડની (CSL) અંદર ખાસ ગોઠવાયેલા સ્થળ પર ભારતીય નૌકાદળમાં સત્તાવાર રીતે જહાજને સામેલ કરશે. ભારતના આ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર યુદ્ધ જહાજની કિંમત રૂ. 20,000 કરોડથી પણ વધુ છે.


ભારતનું પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર IAC વિક્રાંતઃ


ઉલ્લેખનીય છે કે, ગયા મહિને સમુદ્રી ટ્રાયલના ચોથા અને અંતિમ તબક્કાને સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ 28 જુલાઈએ CSL પાસેથી ભારતીય નૌકાદળે આ એરક્રાફ્ટ કેરિયરની ડિલિવરી લીધી હતી.
સત્તાવાર સૂત્રોએ PTIને જણાવ્યું કે, "હાલમાં આ કાર્યક્રમ 2 સપ્ટેમ્બરે કોચીન શિપયાર્ડ લિમિટેડની (CSL) જેટી પર યોજાવાનો છે. ભારતના પ્રથમ એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંતને નૌકાદળમાં કમિશન કરવા માટે યોજાઈ રહેલા આ કાર્યક્રમમાં નિવૃત્ત સ્ટાફ, સંરક્ષણ, શિપિંગ મંત્રાલયો અને રાજ્ય સરકારના અધિકારીઓ સહિત અન્ય લોકો ભાગ લેશે. અને આ કાર્યક્રમમાં 1500-2000 લોકોની હાજરી રહેવાની સંભાવના છે.


IAC વિક્રાંત હિંદ મહાસાગર ક્ષેત્રમાં (IOR) ભારતની સ્થિતિને વધુ મજબૂત કરશે. મહત્વનું છે કે, આ એરક્રાફ્ટ કેરિયર જહાજમાં ફાઈટર જેટ્સ લાવવામાં આવ્યા છે. એરક્રાફ્ટ કેરિયર વિક્રાંત મિગ-29K ફાઈટર જેટ્સ, કામોવ-31 હેલિકોપ્ટર અને MH-60R મલ્ટી-રોલ હેલિકોપ્ટરને સંચાલિત કરવા માટે સક્ષમ છે. IAC 'વિક્રાંત'ની ડિલિવરી સાથે, ભારત સ્વદેશી રૂપે ડિઝાઈન અને એરક્રાફ્ટ કેરિયર બનાવવાની વિશિષ્ટ ક્ષમતા ધરાવતા દેશોની યાદીમાં જોડાઈ ગયું છે.


INS વિક્રાંત પરથી IACનું નામ રાખવામાં આવ્યુંઃ


ભારતીય નૌકાદળના ઇન-હાઉસ ડિરેક્ટોરેટ ઑફ નેવલ ડિઝાઇન (DND) દ્વારા ડિઝાઇન કરાયેલ અને CSL દ્વારા બનાવવામાં આવ્યું છે, જે બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય હેઠળના જાહેર ક્ષેત્રના શિપયાર્ડ છે. ભારતના પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર જહાજનું નામ 1971ના ભારત-પાક યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવનાર યુદ્ધ જહાજ INS વિક્રાંત પરથી રાખવામાં આવ્યું છે.


IAC વિક્રાંતમાં 2,300 થી વધુ કમ્પાર્ટમેન્ટ્સ છે, જે લગભગ 1700 લોકોના ક્રૂ માટે બનાવાયા છે, જેમાં મહિલા અધિકારીઓ માટે વિશિષ્ટ કેબિન પણ બનાવામાં આવ્યા છે. વિક્રાંત લગભગ 28 નોટ્સની ટોપ સ્પીડ અને લગભગ 7,500 નોટિકલ માઈલની સહનશક્તિ સાથે 18 નોટ્સની ક્રૂઝિંગ સ્પીડ ધરાવે છે. IAC વિક્રાંત 262 મીટર લાંબુ, 62 મીટર પહોળું અને 59 મીટરની ઊંચાઈ ધરાવે છે. IAC વિક્રાંતને બનાવાનું કામ 2009માં શરૂ થયું હતું.


IAC વિક્રાંતની ફ્લાઇટ ડેક બે ફૂટબોલ મેદાનો જેટલું છે. IAC વિક્રાંત પર લગાવામાં આવેલા 8 પાવર જનરેટર સમગ્ર કોચી શહેરને લાઈટ પુરી પાડી શકે તેટલા સક્ષમ છે. આ યુદ્ધ જહાજમાં તમામ સુવિધાઓ સાથે સમર્પિત હોસ્પિટલ કોમ્પલેક્ષ પણ બનાવામાં આવ્યો છે.