નવી દિલ્હી: ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. આ ખતરનાક કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં ચીનમાં 800 કરતા વધારે લોકોના મોત થયા છે. આ સાથે જ દુનિયાના 25 કરતા વધારે દેશમાં કોરોના વાયરસની અસર છે. ત્યારે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને પત્ર લખી આ વાયરસનો સામનો કરવા માટે શક્ય હોય તે તમામ મદદ કરવાનો ભરોસો આપ્યો છે.


સૂત્રોની જાણકારી અનુસાર પીએમ મોદીએ સમસ્યાનો સામનો કરવા માટે ચીનની મદદ કરવાની રજૂઆત કરી છે. કોરોના વાયરસથી લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. સૂત્રો મુજબ, પ્રધાનમંત્રી મોદીએ સાથે જ ચીનના રાષ્ટ્રપતિને ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત પરત લાવવાની પરવાનગી આપવા અને તેમાં ભારત સરકારની મદદ કરવાને લઈને આભાર વ્યક્ત કર્યો છે.

કોરોના વાયરસનું સ્તર ચીનમાં ખતરનાક સ્તર સુધી પહોંચી ગયું છે. ચીની સ્વાસ્થ્ય અદિકારીઓનું કહેવું છે કે વાયરસના કારણે મરનારાઓની સંખ્યા 811 થઈ ગઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ વાયરસ દુનિયાના 25 કરતા વધારે દેશમાં પહોંચી ગયો છે. આ વાયરસના કારણે શનિવારે 89 લોકોના મોત થયા છે.