નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશવાસીઓને નવરાત્રી, ગરબા, દુર્ગાપૂજા, દશેરા, દીવાળી, ભાઇબીજ સહિત આવનારા તમામ તહેવારોની શુભકામના પાઠવી હતી. તેમણે લોકોને અપીલ કરી હતી કે તેઓ ત્યાં ખુશીઓ વહેંચે જ્યાં તેનો અભાવ છે અને આ આપણો સ્વભાવ પણ હોય. વડાપ્રધાન મોદીએ મન કી બાત કાર્યક્રમમાં સિસ્ટર મરિયમ થ્રેસિયાની સેવાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, સિસ્ટર થ્રેસિયાએ 50 વર્ષના પોતાના નાના જીવનકાળમાં માનવતાની ભલાઇ માટે જે કામ કર્યું છે જે પુરી દુનિયા માટે મિસાલ છે.


વડાપ્રધાન મોદીએ રશિયન ટેનિસ ખેલાડી દેનિલ મેદવેદેવના પણ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે આ વખતે યુએસ ઓપનમાં જીતની જેટલી ચર્ચા છે જેના કરતા રનર અપ રહેલા દેનિલ મેદવેદેવની સ્પીચની ચર્ચા રહી છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. 23 વર્ષના ટેનિસ ડેનિલની સિમ્પલિસિટી અને પરિપક્વતાએ તમામને પ્રભાવિત કર્યા છે.


વડાપ્રધાને કહ્યુ કે, દેશના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પરિવારજનોને મારો આગ્રહ છે કે તમે સ્ટ્રેસ ફ્રી એક્ઝામ સાથે જોડાયેલા પાસાઓને લઇને પોતાના અનુભવ મને બતાવો અને સૂચનો આપો. જેના પર હું વિચારીશ અને તેમાંથી મને જે ઠીક લાગશે તેને હું મારા પોતાના શબ્દોમાં લખવાનો પ્રયાસ કરીશ. આજે જ્યારે આપણે ગાંધીની 150મી જન્મજયંતિ મનાવી રહ્યા છીએ તો આ સાથે જ 130 કરોડ દેશવાસીઓને સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી મુક્ત થવાનો સંકલ્પ લીધો છે. મને વિશ્વાસ છે કે તમે 2 ઓક્ટોબરના રોજ સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી મુક્તિ માટેના અભિયાનનો હિસ્સો બનશો.


વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તમાકુનો નશો સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક છે. તમે વ્યસન છોડી દો. તેમણે કહ્યું કે, ઇ સિગારેટ અંગે ખોટી ધારણા અને ભ્રમ ફેલાવવામાં આવ્યો છે. દેશમાં ઇ સિગારેટ પર પ્રતિબંધ લગાવ્યો છે.એવામાં ઇ સિગારેટ અંગે કોઇ ગેરસમજ પાળો નહીં. મન કી બાતમાં લતા મંગેશકરે વડાપ્રધાન મોદીના વખાણ કરતા કહ્યું કે, હું જાણું છું કે તમારા આવવાથી ભારતનું ચિત્ર બદલાઇ રહ્યુ છે. મને ખૂબ ખુશી થાય છે. ખૂબ સારુ લાગે છે.