નવી દિલ્હી:  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના બીજા કાર્યકાળમાં આજે ત્રીજી વખત રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના માધ્યમથી દેશને સંબોધન કર્યું હતું. પીએમ આ કાર્યક્રમમાં મહત્વના વિષયો પર વાત કરી હતી. તેમણે ભગવાન શ્રી કૃષ્ણ અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને યાદ કર્યા, સાથે સ્વચ્છતા અભિયાન, ફિટ ઇન્ડિયા સહિતના મુદ્દાઓ પર પોતાની વાત રજૂ કરી.


મન કી બાતમાં પીએમ મોદી દેશની જનતાને સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવાની અપીલ કરી હતી. ‘મન કી બાત’માં તેઓએ સિંગલ યૂઝ પ્લાસ્ટિક વિરુદ્ધ આગામી બીજી ઓક્ટોબરથી એક નવું જન આંદોલન શરૂ કરવાની વાત કરી.

પીએમ મોદીએ કહ્યું કે દેશ આ વર્ષે રાષ્ટ્રપિતાની 150મી જયંતી ઉજવી રહ્યું છે, આ અવસર પર આપણે પ્લાસ્ટિક વિરુદ્ધ એક નવું જન આંદોલન આરંભ કરીશું.

પીએમ મોદીએ વધુમાં કહ્યું, આજે જાગૃતતાના અભાવના કારણે કુપોષણથી ગરીબ અને સંપન્ન બન્ને પ્રકારના લોકો પીડિત છે. તેઓએ કહ્યું દેશમાં સપ્ટેમ્બર મહીનો ‘પોષણ અભિયાન ’તરીકે ઉજવવામાં આવશે. પીએમ મોદીએ લોકોને આ અભિયાનમાં જોડાવા અને જાણકારી પ્રાપ્ત કરવાની અપીલ કરી.
વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં પર્યાવરણ સરંક્ષણની પણ વાત કરી. તેઓએ કહ્યું કે હવે સમય આવી ગયો છે કે આપણે પર્યાવરણ પ્રતિ દયાભાવ રાખવું પડશે. તેઓએ પોતાના સંબોધનમાં 'Man Vs Wild' શો નો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે આ કાર્યક્રમ દ્વારા દેશની પરંપરા, સંસ્કૃતિ અને સંસ્કાર વિશે સમગ્ર દુનિયાને જાણકારી મળશે.