નવી દિલ્હીઃભારતે પાંચ વર્ષ અગાઉ એક ઇતિહાસ રચ્યો હતો જ્યારે કોઇ દેશે પ્રથમ જ પ્રયાસમાં ચંદ્રની કક્ષામાં પહોંચવામાં સફળતા મેળવી હતી. હવે વર્ષ 2022 સુધીમાં ચંદ્ર પર માનવ મિશન મોકલવાની ભારત તૈયારી કરી રહ્યુ છે. દેશના મહત્વાકાંક્ષી ગગનયાન કાર્યક્રમ હેઠળ બે માનવ વિનાના  અને એક માનવયુક્ત ફ્લાઇટ અંતરિક્ષમાં મોકલવાની યોજના છે. આ ક્ષેત્રમાં કામ કરી રહેલી કંપનીઓ સ્પેસ એક્સના સીઇઓ એલોન મસ્ક, બ્લૂ ઓરિજિનના સીઇઓ જેફ બેઝોસ અને વર્જિન ગેલેક્ટિસના સંસ્થાપક સર રિચર્ડ બ્રાનસન સાથે જ નાસાનું લક્ષ્ય મનુષ્યને અંતરિક્ષમાં મોકલવાનું છે જે માટે ચંદ્ર આવનારા સમયમાં એક પડાવ સ્વરૂપે કામ કરશે.


ન્યૂઝ એજન્સી આઇએએનએસના મતે દેશનું માનવ સહિત અંતરિક્ષ મિશન વડાપ્રધાનના ડ્રિમ પ્રોજેક્ટમાનું એક છે. આ પ્રોજેક્ટનો અંદાજીત ખર્ચ 10 હજાર કરોડ રૂપિયા છે. ઇસરોએ હ્યુમન સ્પેસ ફ્લાઇટ સેન્ટરનું લક્ષ્ય 2022 સુધીમાં અવકાશયાત્રીને અંતરિક્ષમાં મોકલવાનો છે.

ઇસરોએ ગગનયાન યોજનામાં મદદ માટે રશિયાની લોન્ચ સેવા ગ્લાવકોસમોસ સાથે કરાર કર્યા છે. હ્યુમન સ્પેસ ફ્લાઇટ સેન્ટરમાં માનવ સ્પેસ મિશન માટે જરૂરી ટેકનોલોજીને વિકસિત કરવામાં આવી રહી છે. આ ફેકલ્ટીના નિર્દેશક એસ.ઉન્નીકૃષ્ણન નાયર છે. જ્યારે પીએસએલવીના નિર્દેશક આર.હટ્ટન ગગનયાન પ્રોજેક્ટની આગેવાની કરી રહ્યા છે.

ભારતના 2022માં અવકાશમાં જવાની યોજના બનાવવાના છ દાયકા અગાઉ જ રશિયા પોતાના અવકાશયાત્રી યૂરી ગાગરીનને અવકાશમાં મોકલી ચૂક્યું છે. તે અવકાશમાં જનાર પ્રથમ માનવ હતા જે ધરતીની કક્ષાની બહાર અવકાશમાં 1961માં ગયા હતા.