નવી દિલ્હી: નાગરિકતા સંશોધન બિલ 2019 લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થઈ ગયું છે. રાજ્યસભામાં બિલના સમર્થનમાં 125 મત મળ્યા હતા જ્યારે બિલના વિરુદ્ધમાં 105 મત પડ્યા હતા. હવે આ બિલને રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે. જેમની મંજૂરી બાદ બિલ કાયદો બની જશે. આ બિલ પાસ થવા પર વડાપ્રધાન મોદીએ ખુશી વ્યક્ત કરી છે અને આજના દિવસને દેશ માટે ઐતિહાસિક દિવસ ગણાવ્યો છે.

વડાપ્રધાન મોદીએ બિલ પાસ કરાવવા બદલ તમામ સાંસદોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે દેશના ઈતિહાસમાં આજનો દિવસ માઈલસ્ટોન છે. આ બિલ એ લોકોના દર્દને દુર કરશે જેમણે વર્ષો સુધી પીડાઓ સહન કરી છે.

પીએમ મોદીએ ટ્વીટ કરી કે, "આજનો દેશ ભાઈચારા માટે ઐતિહાસિક દિવસ છે. નાગરિકતા સંશોધન બિલ 2019 રાજ્યસભામાં પાસ થઈ જતા ખુબ આનંદ થયો. જે સાંસદોએ તેના પક્ષમાં મતદાન કર્યું તેમનો આભાર. આ બિલ વર્ષોથી ઉત્પીડનનો દંશ ઝેલી રહેલા લોકોને રાહત આપશે."


ગૃહમંત્રી અમિત શાહે પણ બિલ પાસ થવા પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, "નાગરિકતા સંશોધન બિલ 2019 સંસદમાં પાસ થઈ ગયું. કરોડો વંચિતો અને પીડિત લોકોનું નાગરિકતાનું સપનું આજે પૂરું થયું. આ પ્રભાવિત લોકોને સન્માન અને સુરક્ષા નિશ્ચિત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો હું આભારી છું. હું તે તમામ સાથીઓનો આભાર માનું છું કે જેમણે આ બિલને સમર્થન આપ્યું"


નાગરિકતા સંશોધન બિલ રાજ્યસભામાં પાસ થતાં સોનિયા ગાંધીએ કહ્યું- બંધારણીય ઈતિહાસનો કાળો દિવસ