અમિત શાહે કહ્યું કે, આ બિલના કારણે અનેક ધર્મથી પીડિત લોકોને ભારતની નાગરિકતા મળશે પરંતુ વિપક્ષનું ધ્યાન ફક્ત એ વાત પર છે કે મુસ્લિમોને કેમ તેમાં સમાવેશ કરવામાં આવી રહ્યો નથી. તમારી પંથ નિરપેક્ષતા ફક્ત મુસ્લિમો પર આધારિત હશે પરંતુ અમારી પંથ નિરપેક્ષતા કોઇ એક ધર્મ પર આધારિત નથી.
શાહે કહ્યું કે, આ બિલમાં એ લોકો માટે વ્યવસ્થા કરવામાં આવી છે જે પાડોશી દેશોમાં ધર્મના આધાર પર ઉત્પીડન કરવામાં આવ્યા છે તેમના માટે ત્યાં પોતાનો જીવ બચાવવો, પોતાની માતાઓ-બહેનોની ઇજ્જત બચાવવી મુશ્કેલ છે એવા લોકોને અહીની નાગરિકતા આપીને અમે તેમની સમસ્યા દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમારા માટે પીડિત લોકો પ્રાથમિકતા છે જ્યારે વિપક્ષ માટે તેવા લોકો પ્રાથમિકતામાં નથી.
અમિત શાહે કહ્યું કે, તમે શું ઇચ્છો છો? શું અમારે પાકિસ્તાનથી આવનારા મુસ્લિમોને નાગરિકતા આપવી જોઇએ.એવામાં દેશ કેવી રીતે ચાલશે? શાહે કહ્યું કે, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં હિંદુ, જૈન, પારસી, શિખ ધર્મમાં માનનારા લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે. આ બિલ આ લોકોની ગરીમા અને જિંદગીની રક્ષા કરશે.
એનડીએ સરકારે મુસ્લિમોને આ બિલમાંથી બહાર રાખવા પાછળનું કારણ આપતા કહ્યું કે, મુસ્લિમ આ ત્રણ દેશોમાં બહુમતિમાં છે. સરકારનું કહેવું છે કે આ દેશોમાં મુસ્લિમોને ધાર્મિક આધાર પર ઉત્પીડન કરવામાં આવી રહ્યા નથી કારણ કે એ દેશોમાં તે બહુમતિમાં છે.
શાહે કહ્યું કે, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં રહેતા લઘુમતિઓનો અધિકાર છીનવી લેવામાં આવ્યો. જ્યારે બાંગ્લાદેશની રચના કરવામાં આવી ત્યારે પહેલા બહુમતિના અધિકારનું ધ્યાન રાખવામાં આવ્યો પરંતુ આ દેશોમાં લઘુમતી સમુદાયોના 20 ટકા આઝાદીને ખત્મ કરી દેવામાં આવ્યો. તેમનુ ધર્મપરિવર્તન કરી દેવામાં આવ્યું અથવા તો તેમને મારી નાખવામાં આવ્યા.