વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પશ્ચિમ બંગાળને 7800 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ ભેટમાં આપ્યા હતા. તેમણે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી હતી. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પીએમ મોદી માટે આજનો દિવસ ખૂબ જ દુઃખદ હતો, કારણ કે તેમની માતા હીરા બાનું શુક્રવારે જ અમદાવાદમાં નિધન થયું હતું. પીએમ મોદી ગાંધીનગર પહોંચ્યા અને માતાને મુખાગ્નિ આપ્યો હતો. ત્યારબાદ તેઓ તેમના પૂર્વ આયોજિત કાર્યક્રમોમાં જોડાયા હતા.






કાર્યક્રમમાં ભાગ લેનાર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પીએમના માતા હીરા બાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. મમતાએ કહ્યું, મારી સંવેદના તમારી સાથે છે. તમારા દુઃખની ઘડીમાં અમે બધા તમારી સાથે છીએ. માતા કરતાં વધુ મોટુ બીજું કંઈ હોઈ શકે નહીં.






મમતા બેનર્જીએ પીએમ મોદીને કાર્યક્રમ ટૂંકાવવાની અપીલ કરી હતી. મમતાએ કહ્યું, પ્રધાનમંત્રી આજનો દિવસ તમારા માટે ખૂબ જ દુઃખદ દિવસ છે. હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. હું તમને વિનંતી કરીશ કે આ કાર્યક્રમ ટૂંકો રાખો કારણ કે તમે હમણાં જ તમારી માતાના અંતિમ સંસ્કારમાંથી આવ્યા છો.


પીએમના માતા હીરા બાનું નિધન થયું


PM મોદીની માતા હીરા બાનું શુક્રવારે સવારે 3.30 વાગ્યે નિધન થયું હતું. તેઓ 100 વર્ષના હતા. હીરા બાએ અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. પીએમ મોદીએ માતાને મુખાગ્નિ આપ્યો હતો.