કાશ્મીરઃ દર વર્ષની જેમ આ વર્ષે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જવાનો સાથે દિવાળી ઉજવશે. આ માટે મોદી આજે સવારે જમ્મુ કાશ્મીરના રાજૌરી સેક્ટર પહોંચ્યા હતા. ખાસ વાત એ છે કે મોદી આર્ટિકલ 370 હટ્યા બાદ પ્રથમવાર જમ્મુ કાશ્મીર પહોંચ્યા છે. વડાપ્રધાન મોદી અહીં એલઓસી પાસે જવાનો સાથે દિવાળી મનાવશે. નોંધનીય છે કે વડાપ્રધાન મોદી પદ સંભાળ્યા બાદથી અત્યાર સુધી દર વર્ષે જવાનો સાથે દિવાળી મનાવી છે. તેઓ કહી ચૂક્યા છે તે જવાનોને પોતાનો પરિવાર માને છે. 2018માં મોદીએ ભારત-ચીન સરહદ પર સૈન્ય અને આઇટીબીપી જવાનો સાથે દિવાળી ઉજવી  હતી.

આ અગાઉ આજે વડાપ્રધાન મોદીએ મન કી બાત કાર્યક્રમમાં દેશવાસીઓને દિવાળીના અવસર પર શુભકામનાઓ પાઠવી હતી. તે સિવાય તેમણે ટ્વિટ કરીને પણ શુભકામના પાઠવી હતી. તેમણે લખ્યું કે, દેશવાસીઓને દિવાળીના પાવન અવસર પર ખૂબ શુભકામનાઓ. પ્રકાશનો આ ઉત્સવ આપણા તમામના જીવનમાં નવો પ્રકાશ લઇ આવે અને આપણો દેશ સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યથી ભરપૂર રહે.