નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે રાજઘાટ નજીક સ્થિત ‘રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્ર’નું ઉદ્ઘાટન કર્યું હતું. મહાત્મા ગાંધીને સમર્પિત રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્ર (આરએસકે) ની સૌથી પહેલા જાહેરાત પીએમ મોદીએ 10 એપ્રિલ, 2017ના રોજ મહાત્મા ગાંધી ચંપારણ સત્યાગ્રહના 100 વર્ષ પૂરા થવાના અવસર પર કરી હતી. આ સ્વચ્છ ભારત મિશન પર એક પરસ્પર સંવાદાત્મક અનુભવ કેન્દ્ર રહેશે. પીએમ મોદીએ કહ્યું, આ કેન્દ્ર બાપુના સ્વચ્છાગ્રહ પ્રતિ 130 કરોડ ભારતીયોની શ્રદ્ધાંજલિ છે, કાર્યાંજલિ છે.

પીએમ મોદીએ કહ્યું કે, મહાત્મા ગાંધીનું અભિયાન હતું, અંગ્રેજો ભારત છોડો, આપણે અભિયાન ચલાવી રહ્યાં છે- ગંદકી ભારત છોડો. તેઓએ કહ્યું કે, પૂર્વોત્તર ભારતમાં સ્વચ્છતા પર ખૂબજ ધ્યાન આપવામાં આવે છે. આ ક્ષેત્રમાં સ્વચ્છતાની પરંપરા છે.

વડાપ્રધાને કહ્યું, મને ખુશી છે કે, કોવિડ-19ના પ્રસારને નિયંત્રણ કરવા માટે આપણે બધા, અહીં હાજર બાળકો સહિત તમામ લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી રહ્યાં છે અને માસ્ક પહેરી રહ્યાં છે.

આજનો દિવસ ઐતિહાસિક છે. દેશની આઝાદીમાં આજની તારીખનું મોટું યોગદાન છે. આજના દિવસે 1942માં ગાંધીજીના નેતૃત્વમાં આઝાદી માટે એક વિરાટ જન આંદોલન શરુ થયું હતું અંગ્રેજો ભારત છોડોનો નારો લાગ્યો હતો.