કોઝીકોડઃ કોઝીકોડ એરપોર્ટ પર એર ઇન્ડિયા એક્સપ્રેસનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવાના કારણોની તપાસ કરવા માટે ડીજીસીએની એક ટીમને શનિવારે વિમાનનું બ્લેક બોક્સ મળી ગયું છે. બ્લેક બોક્સ પાઈલટ ડેટા ઉપરાંત પાયલટની વચ્ચે થયેલ વાતચીત અને સાથો સાથ તેના અને એર ટ્રાફિક કન્ટ્રોલ ટાવરની વચ્ચે થયેલ વાતચીત રેકોર્ડ કરે છે. બ્લેક બોક્સને તપાસ માટે દિલ્હી લાવવામાં આવશે.


ઉડ્ડયનમંત્રી હરદીપ સિંહ પુરી કોઝિકોડ પહોંચ્યા. તેમણે મૃતકોના પરિવારને 10-10 લાખ રૂપિયા અને ગંભીર રીતે ઘાયલોને 2-2 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. જે લોકોને સામાન્ય ઈજા પહોંચી છે તેમને 50-50 હજાર રૂપિયા આપવામાં આવશે.

પુરીએ કહ્યું કે, આ વિમાન અમારા સૌથી અનુભવી, કેપ્ટન દીપક સાઠે ઉડાવી રહ્યા હતા. તે આ એરપોર્ટ પર 27 વખત લેન્ડિગ કરી ચુક્યા હતા. તેમણે કહ્યું કે, 10 વર્ષ પહેલા આ એરપોર્ટ પર લેન્ડિગ દરમિયાન વિમાનમાં આગ લાગી ગઈ હતી. ત્યારપછી સુરક્ષા ઉપાયો કરવાના કારણે જ દુર્ઘટનામાં મોતમાં ઘટાડો થયો છે.

જણાવીએ કે, શુક્રવારે સાંજે અનુભવી પાઇલટ ડીવી સાઠે અને કો પાઇલટ અખિલેશ કુમાર દ્વારા સંચાલિત આ વિમાન એરપોર્ટના રનવે પરથી 35 ફુટ નીચે ખીણમાં પડ્યું હતું. આ ઘટનામાં 18 લોકોના મોત થયા છે અને ઓછામાં ઓછા 123 પ્રવાસી ઘાયલ થયા છે. ઘાયલોમાં કેટલાકની હાલત ગંભીર છે અને તેમની જુદી જુદી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.