નવી દિલ્હી: ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કનું આજે વિધિવત શરૂઆત થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં 'ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક' (આઇપીપીબી)નું ઉદ્ઘાટન કર્યું છે. આઇપીપીબીની દેશભરમાં 650 શાખાઓ અને 3250 કેન્દ્ર એક્સેસ પોઈન્ટ હશે. પોસ્ટ પેમેન્ટ બેન્ક દ્વારા પોસ્ટમેન ઘર ઘર સુધી બેન્કિંગ સેવા પહોંચાડવાનું કામ કરશે. તેનાથી ગ્રાહકોને ત્રણ પ્રકારના સેવિંગ એકાઉન્ટ ઝીરો બેલેન્સ પર ખોલવાની સુવિધા મળશે.


પીએમ મોદીએ કહ્યું કે, ઇન્ડિયા પોસ્ટ બેન્ક દેશની અર્થવ્યવસ્થામાં અને સામાજિક વ્યવસ્થામાં મોટું પરિવર્તન લાવશે. આજનો દિવસ બેન્કિંગ સુવિધા માટે ઐતિહાસિક રહેશે. બેંક તમારા દરવાજા સુધી પહોંચાડવાનો યોજના સાકાર થવા જઈ રહી છે. દેશભરમાં પોસ્ટ સેવકો અને પોસ્ટમેન દ્વારા પેમેન્ટ બેન્કની સુવિધા સામાન્ય જનતાને મળવાની છે. આખા દેશમાં તમામ 1.55 લાખ પોસ્ટઓફિસ 31 ડિસેમ્બર, 2018 સુધી આઇપીપીબી સાથે જોડાઇ જશે.

આઇપીપીબી બચત અને ચાલુ ખાતાઓ, મની ટ્રાન્સફર, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, બિલ અને યુટિલિટી પેમેન્ટ્સ અને એન્ટરપ્રાઇઝ તેમજ કમર્શિયલ પેમેન્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે. આ સુવિધાઓ તેમજ તેની સાથે જોડાયેલી અન્ય સંબંધિત સેવાઓને બેંકના અત્યાધુનિત પ્રૌદ્યોગિક પ્લેટફોર્મનો ઉપયોગ કરીને બહુ-વિકલ્પ માધ્યમો (કાઉન્ટર સેવાઓ, માઇક્રો એટીએમ, મોબાઇલ બેંકિંગ એપ, એસએમએસ અને આઇવીઆર) દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક ભારતીય પોસ્ટ વિભાગ તરફથી શરૂ કરવામાં આવી છે. તેમાં તમે સેવિંગ્સ અકાઉન્ટની સાથે કરંટ અકાઉન્ટ પણ ખોલાવી શકો છો. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક તમને બચતખાતા પર વધુ વ્યાજ તો આપશે જ સાથે તે તમને ડોરસ્ટેપ બેંકિંગ સુવિધા પણ આપશે. તેનો અર્થ એ છે કે હવે તમે તમારા ઘરે બેસીને જ બેંક અકાઉન્ટ ખોલાવી શકશો.