નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દેશભરના 25 લાખ ચોકીદાર સાથે ચર્ચા કરશે. મોદીની આ ચૂંટણી ચર્ચા એ અભિયાન અંતર્ગત થઈ રહી છે જેમાં ભાજપે મિશન 2019 માટે ‘મેં ભી ચોકીદાર’ કેમ્પેન શરૂ કર્યું છે. ભાજપનો આ પ્રચાર કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીના એ નારાનો જવાબ છે જેમાં રાહુલ પોતાની દરેક રેલીમાં રાફેલના બહાને મોદી પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવે છે અને લોકોને ‘ચોકીદાર ચોર હૈ’નો નારો લગાવે છે.
બુધવારે સાંજે મોદ ‘મૈં ભી ચોકીદાર’ કેમ્પેન હેઠળ હોળી પર્વ નિમિત્તે દેશના તમામ વર્ગના લોકોને સંબોધશે. ભાજપ મીડિયા ઈન્ચાર્જ અનિલ બાલુનીએ મંગળવારે સાંજે આ સત્તાવાર માહિતી આપી હતી. બાલુનીએ કહ્યું કે ભલે એ સિક્યોરિટી ગાર્ડ હોય કે એટીએમ ગાર્ડ કે પછી મોલનો સિક્યુરિટી ગાર્ડ, વડા પ્રધાન ઇચ્છે છે કે દરેક આમ આદમી ન્યૂ ઇન્ડિયાની રક્ષા માટે સજ્જ બને.
બીજી બાજુ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે કેટલાક લોકો એમ માનતા હતા કે, આ સામાન્ય અભિયાન છે પણ ‘મૈં ભી ચોકીદાર’ હવે માત્ર સૂત્ર કે અભિયાન નથી, તે જનઆંદોલન બની ગયું છે. લોકો તેને સ્વૈચ્છિક રીતે અપનાવી રહ્યા છે. તેના અનુસંધાનમાં જ પીએમ મોદી દેશના ૫૦૦ જેટલા સ્થળોએ ૩૧ માર્ચે મૈં ભી ચોકીદાર આંદોલનને ટેકો આપનાર લોકોની સાથે ચર્ચા કરશે. આ દરમિયાન ખેલાડીઓ, યુવાનો, નેતાઓ, ડોક્ટર્સ, વકીલો, ખેડૂતો અને અન્ય પ્રોફેશનલ્સ પણ હાજરી આપવાના છે. પ્રસાદે કહ્યું કે તેઓ કહી રહ્યાં છે ચોકીદાર અમીરોના હોય છે, ગરીબોના હોતા નથી. જ્યારે સત્તામાં હતા ત્યારે લોકોના ૧૨ લાખ કરોડ લૂંટી લીધા. શું કહેવાની જરૂર છે કે કોને ચોકીદારની જરૂર છે અને કોને નહીં.