વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સાંજે યુક્રેનને લઈને ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધનો આજે છઠ્ઠો દિવસ છે. યુક્રેનમાં હજારો ભારતીયો ફસાયેલા છે, તેમને બચાવવાના પ્રયાસો ચાલુ છે. આ પહેલા પણ પીએમ મોદી યુક્રેનને લઈને ચાર બેઠકો કરી ચૂક્યા છે.


યુક્રેન વિરુદ્ધ રશિયાની સૈન્ય કાર્યવાહીને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન મોદીની આ પાંચમી બેઠક છે. આ બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર, NSA અજીત ડોભાલ અને વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલા હાજર હતા. આ ઉપરાંત અન્ય ઘણા અધિકારીઓ પણ બેઠકમાં હાજર રહ્યા હતા.


વડાપ્રધાનની આ બેઠક એવા સમયે થઈ છે જ્યારે રશિયાએ યુક્રેન પર હુમલા વધાર્યા  છે. મંગળવારે આ હુમલામાં એક ભારતીય વિદ્યાર્થીનું પણ મોત થયું હતું. ખાર્કિવમાં રશિયા દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં ભારતીય વિદ્યાર્થી નવીન શેખરપ્પાનું મોત થયું હતું. નવીન કર્ણાટકના હાવેરી જિલ્લાના ચલગેરીનો રહેવાસી હતો. 21 વર્ષીય નવીન ખાર્કિવમાં એમબીબીએસનો અભ્યાસ કરી રહ્યો હતો.


અગાઉ, ભારતીય દૂતાવાસે મંગળવારે વિદ્યાર્થીઓ સહિત તમામ ભારતીય નાગરિકોને તાત્કાલિક કિવ છોડવાની સલાહ આપી હતી. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે શરૂ કરવામાં આવેલા 'ઓપરેશન ગંગા'ને વધુ વેગ આપવાના પ્રયાસના ભાગરૂપે વડાપ્રધાન મોદીએ મંગળવારે જ ભારતીય વાયુસેનાને આ ઓપરેશનમાં જોડાવા જણાવ્યું છે. ભારતીય વાયુસેનાના C-17 એરક્રાફ્ટને આજથી 'ઓપરેશન ગંગા'માં સામેલ કરવામાં આવી શકે છે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેનના ખાર્કિવમાં ગોળીબારમાં માર્યા ગયેલા ભારતીય વિદ્યાર્થી નવીન શેખરપ્પાના પિતા સાથે વાત કરી છે. તમને જણાવી દઈએ કે વિદેશ મંત્રાલયે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, "ખૂબ દુઃખ સાથે અમે પુષ્ટિ કરીએ છીએ કે આજે સવારે ખાર્કિવમાં ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો હતો. મંત્રાલય તેમના પરિવારના સંપર્કમાં છે. અમે પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ.


નવીન ખાર્કિવમાં એમબીબીએસ કરી રહ્યો હતો અને તેના ચોથા વર્ષમાં હતો. નવીન દુકાને કંઈક લેવા ગયો હતો. આ દરમિયાન હુમલામાં તેનું મોત થયું હતું. હતી. કર્ણાટક સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના કમિશનર ડૉ. મનોજ રાજને જણાવ્યું હતું કે હાવેરી જિલ્લાના ચલગેરીના વતની નવીન શેખરપ્પા જ્ઞાનગૌદારનું તોપમારોમાં મૃત્યુ થયું હતું. બે દિવસ પહેલા નવીને તેના પિતા સાથે વીડિયો કોલ દ્વારા વાત કરી હતી, જેનો વીડિયો સામે આવ્યો છે. વાતચીત દરમિયાન નવીનના પિતાએ પુત્રને કહ્યું કે તેઓ પોતાની સંભાળ રાખે અને ત્યાં સાથે રહે. તેણે પુત્રને કહ્યું હતું કે ભારતીય દૂતાવાસ દ્વારા તેને લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.


કેવી રીતે થયું મોત


ખારકિવમાં ખાનગી કંપનીમાં નોકરી કરતી અને ભારતીય વિદ્યાર્થીઓ માટે કામ કરતી ડો. પૂજાએ પત્રકાર આદિત્ય રાજ કોલને જણાવ્યું નવીનનો ફોન યુક્રેનની મહિલાને મળ્યો હતો અને તેણે નવીનના મિત્રને ફોન કરીને બ્લાસ્ટમાં તેનું નિધન થયું હોવાની માહિતી આપી હતી. તે કોઈ વસ્તુ લેવા ઘરની બહાર નીકળ્યો ત્યારે આ ઘટના બની હતી.