બેઠકમાં મુખ્યમંત્રીઓ દ્વારા આપવામાં આવેલો ફીડબેક લોકડાઉનના ભવિષ્યને લઈ ઘણો મહત્વનો રહેશે. બેઠક બે સત્રમાં યોજાશે. પ્રથમ સત્ર 3 વાગ્યથી સાંજે સાડા પાંચ વાગ્યા સુધી ચાલશે. બીજું સત્ર સાંજે છ વાગ્યાથી શરૂ થશે અને બેઠકનું પરિણામ આવે ત્યાં સુધી ચાલુ રહેશે. બેઠકને પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવ્યા બાદ ગૃહમંત્રી અમિત શાહે બ્રીફ કર્યુ અને તમામ મુખ્યમંત્રીને સરકારની ગાઇડલાઇન ગંભીરતાથી લાગુ કરવા કહ્યું.
લોકડાઉનનો ત્રીજો તબક્કો 17 મેના રોજ પૂરો થાય છે તેના થોડા દિવસો પહેલા જ આ બેઠક થઈ રહી હોવાથી અનેક દ્રષ્ટિએ મહત્વની છે. બીજો તબક્કો 3 મે અને પ્રથમ તબક્કો 14 એપ્રિલે પૂરો થયો હતો.
સ્વાસ્થ્ય મંત્રાલયની સાથે બે સરકારી સંસ્થાઓ અનુસાર આઈસીએમઆરે સંકેત આપ્યા છે કે જો 17 મે બાદ લોકડાઉન ખતમ કરી દેવામાં આવશે તો કોરોના સંક્રમણના મામલામાં ઝડપથી વધારો થઈ શકે છે. આ સંસ્થાઓનું કહેવું છે કે હાલ લોકડાઉન ખોલવું આત્મહત્યા કરવા બરાબર હશે.
આ પહેલા પીએમ મોદી 20 માર્ચ, 2 એપ્રિલ, 11 એપ્રિલ અને 27 એપ્રિલે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી ચુક્યા છે. કોરોના સંકટ પર મુખ્યમંત્રીઓ સાથે પ્રધાનમંત્રી મોદીની પાંચમી બેઠક હશે. આ બેઠકમાં લોકડાઉનની આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે, જે બાદ તેને વધારવાનો કે ખતમ કરવાનો ફેંસલો લેવામાં આવશે. અનેક રાજ્યો લોકડાઉન વધારવાના પક્ષમાં છે.