નવી દિલ્હી: કોરોના વાયરસના પ્રકોપને કારણે સંસદમાં બજેટ સત્રને જલ્દી સમાપ્ત કરવાની માંગ ઉઠી રહી છે. કૉંગ્રેસ અને વિપક્ષ પાર્ટીઓ સિવાય એનડીએની સહયોગી પાર્ટીઓ પણ માંગ કરી રહી છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેનાથી સહમત નથી.

પીએમ મોદીએ મંગળવારે ભાજપના સંસદીય દળની બેઠકને સંબોધન કરતા કહ્યું કે, સત્ર જલ્દી સમાપ્ત કરવાથી દેશમાં ગભરાટનો માહોલ સર્જાશે. આ સમયે સત્ર જલ્દી ખતમ કરવાથી લોકોમાં ખોટો મેસેજ જશે. મોદીએ કહ્યું આજે જાગૃકતા અને સાવચેતીની જરૂર છે, ન કે ગભરાવાની.

પીએમ મોદીએ સ્વીકાર્યું કે ભારત જેવા દેશ માટે કોરોનાનો પડકાર મોટો છે. કારણ કે સંસાધનો મામલે ભારતમાં સમસ્યાઓ છે, પરંતુ એવામાં જે સરકાર અને શાસનનું નેતૃત્વ કરે છે, તે પડકારોથી ભાગી શકે નહીં, પીએમ મોદીએ સાંસદોને કહ્યું કે તમામ સાંસદ પોતાના ક્ષેત્રના લીડર છે અને તેમણે ઉદાહરણ પૂરુ પાડવું જોઈએ. તમામ સાંસદ 130 કરોડ દેશવાસીઓમાંથી જ આવે છે અને તે પ્રમાણે જે તેમની સાથે હશે તે આપણા બધાની સાથે હશે.

આ ઉપરાંત પીએમ મોદીએ સંસદીય દળની બેઠકમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને નિર્દેશ આપતા કહ્યું કે વિપક્ષી શાસનવાળા રાજ્યોમાં ચાલી રહેલા પાર્ટીના તમામ આંદોલનો પણ 15 એપ્રિલ સુધી રદ્દ કરવામાં આવે. અને જો જરૂર પડે તો, અધિકારીઓને આવેદન આપીને વાત રજૂ કરી શકે છે.