મુંબઈ: મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ભયના કારણે મુંબઈ પોલીસે કોરોના વાયરસના ખતરાને જોતા તમામ પબ, ઓરકેસ્ટ્રા, ડિસ્કોથેક, લાઈવ બેન્ડ, ડીજેને 31 માર્ચ સુધી બંધ કરવાનો આદેશ આપ્યો છે. કોરોના વાયરસના સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં છે, અહીં 41 લોકો કોરોનાથી સંક્રમિત છે. અત્યાર સુધી ભારતમાં ત્રણ લોકોના મોત થઈ ચુક્યા છે.




સરકારી ઓફિસ બંધ રાખવાના અહેવાલ પર સ્પષ્ટતા કરતા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, સરકારી કર્મચારીઓને રજા આપવામાં આવી નથી. તમામ સરકારી ઓફિસ ચાલુ રહેશે. ટ્રેન અને બસ પર કોઈ રોક લગાવવામાં આવી નથી પરંતુ લોકો જરૂરીયાત વગર મુસાફરી કરવાનું નહીં ટાળે તો બંધ કરવાનો નિર્ણય પણ લેવામાં આવી શકે છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર, અત્યાર સુધી 137 લોકો કોવિડ-19થી સંક્રમિત છે. જેમાંથી 24 વિદેશી નાગરિક સામેલ છે. મહારાષ્ટ્ર, દિલ્હી અને કેરળ સહિત દેશના અનેક રાજ્ય આ જીવલેણ કોરોના વાયરસની ચપેટમાં છે. અત્યાર સુધી આ વાયરસથી કર્ણાટક, દિલ્હી અને મહારાષ્ટ્રમાં ત્રણ લોકોના મોત થઈ ચુક્યા છે.

કોરોના વાયરસના વધી રહેલા પ્રકોપને જોતા સરકારે યોગ્ય પગલા ઉઠાવ્યા છે. સ્કૂલ, કોલેજ, યૂનિવર્સિટી, મોલ અને પાર્ક બંધ કરી દેવામાં આવ્યા છે. વધી પડતા ધાર્મિક સ્થળો પર પણ વધારે ભીડ ન થાય તે માટે પગલા ઉઠાવવામાં આવ્યા છે.