નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ સંબંધિત બે બિલને મંજૂરી મળવાને કૃષિ ઈતિહાસનો સૌથી મોટો દિવસ ગણાવ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, તેનાથી ન માત્ર કૃષિ ક્ષેત્રમાં આમૂલ પરિવર્તન આવશે, પરંતુ કરોડો ખેડૂતો સશક્ત બનશે. ઉલ્લેખનીય વિપક્ષના ભારે વિરોધ વચ્ચે ખેડૂતો સાથે સંકળાયેલા બે બિલ રાજ્યસભામાંથી પણ પાસ કરી દેવામાં આવ્યા છે.

પીએમ મોદીએ પોતાના ટ્વીટમાં કહ્યું કે, દાયકાઓ સુધી આપણા ખેડૂતો અનેક પ્રકારના બંધનોથી જકડાયેલા હતા અને તેઓને વચેટિયાઓનો સામનો કરવો પડતો હતો. પીએમ મોદીએ કહ્યું, “સંસદમાં પાસ બિલથી અન્નદાતાઓને એ બધામાંથી આઝાદી મળી છે. તેનાથી ખેડૂતોની આવક ડબલ કરવાના પ્રયાસને બળ મળશે અને ખેડૂતોની સમૃદ્ધી સુનિશ્ચિત થશે.”

વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું, ભારતના કૃષિ ઈતિહાસમાં આજનો દિવસ મોટો દિવસ છે. સંસદમાં મહત્વના બિલ પાસ થવા પર પોતાના પરિશ્રમની અન્નદાતાઓને શુભેચ્છા આપું છું. આ ન માત્ર કૃષિ ક્ષેત્રમાં આમૂલ પરિવર્તન લાવશે, પરંતુ તેનાથી કરોડો ખેડૂતો સશક્ત બનશે.”



રાજ્યસભામાં કૉંગ્રેસ, તૃણમૂલ કૉંગ્રેસ સહિત વિપક્ષી દળોના સભ્યોના ભારે હંગામાં વચ્ચે રવિવારે કૃષિ સાથે સંબંધિત બે બિલ કૃષિ પેદાશ વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) બિલ -2020 અને ખેડૂત (સશક્તિકરણ અને સુરક્ષા) ભાવ ખાતરી કરાર અને કૃષિ સેવાઓ બિલ -2020ને ધ્વનિમતથી પાસ કરવામાં આવ્યા હતા.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હવે આ બિલ પાસ થવાથી આપણા ખેડૂતોની પહોંચ ભિવષ્યથી ટેક્નોલોજી સુધી સરળ બનશે. તેનાથી ન માત્ર ઉત્પાદન વધશે, પરંતુ બહેતર પરિણામ પણ આવશે. આ એક આવકારદાયક પગલું છે.