નવી દિલ્હી: પુલવામામાં થયેલા આતંકી હુમલાનો ભારતે માત્ર બદલો જ નથી લીધો પરંતુ આતંકવાદીઓની કમર તોડી નાખી છે. એલઓસી ક્રોસ કરીને પીઓકેમાં આવેલા આતંકી કેમ્પ પર ભારતીય વાયુસેનાએ એર સ્ટ્રાઈક કરી અને બધાં આતંકી ઠેકાણાઓને નષ્ટ કરી દીધા છે. આ ઉપરાંત રિપોર્ટ મુજબ વાયુસેનાએ આ કાર્યવાહી હેઠળ લગભગ 300 આતંકવાદીઓને ઠાર માર્યા છે.

સૂત્રો જણાવ્યું હતું કે, ભારતીય વાયુસેના જ્યારે પીઓકેમાં ઘુસીને જૈશના આતંકી ઠેકાણાઓને નષ્ટ કરી રહી હતી ત્યારે વોર રૂમમાં પીએમ નરેન્દ્ર મોદી આ કાર્યવાહી પર બાજ નજર રાખીને બેઠા હતા.


સરકારી સૂત્રો પ્રમાણે ભારતીય વાયુસેનાના ઓપરેશનના સમયે દિલ્હી ખાતે વોર રૂમમાં નરેન્દ્ર મોદી હાજર રહ્યાં હતા. વડાપ્રધાનની સાથે વોર રૂમમાં સંરક્ષણમંત્રી અને એનએસએ અજીત ડોભાલ પણ હાજર હતા. આ વોર રૂમમાં પીએમ મોદીએ ઓપરેશનના એક-એક ક્ષણ પર નજર રાખી હતી. પુલવામા હુમલા બાદ પીએમ મોદીએ કેટલીક વખત જાહેરમાં કહ્યું હતું કે, ભારત આતંકીઓથી પુલવામાનો બદલો લેશે.


એલઓસી પાર કરી ભારતીય વાયુસેનાએ એર સ્ટ્રાઈકમાં બાલાકોટ, ચકોઠી અને મુજફ્ફરાબાદના ટેરર લોન્ચ પેડને સંપૂર્ણ રીતે નષ્ટ કર્યાં છે. આ સાથે જૈશ-એ-મોહમ્મદનો કંટ્રોલ રૂમ પણ સંપૂર્ણ રીતે નષ્ટ કરી નાખ્યો છે. ભારતીય વાયુસેનાએ આ મોટી કાર્યવાહી કરવા માટે 12 મિરાજ ફાઈટર જેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.



એટલું જ નહીં, પરંતુ આતંકી કેમ્પોને નષ્ટ કરવા માટે લગભગ 1000 કિલોના બોમ્બ ફેક્યાં હતા. 14મી ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલ આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતા. જેની જવાબદારી જૈશ-એ-મોહમ્મદે લીધી હતી.