નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ અને જમ્મુ કાશ્મીરના બે ભાગલા પાડી તેને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કર્યા બાદ પ્રથમવાર વડાપ્રધાન મોદીએ દેશને સંબોધન કર્યું હતું.  સાથે વડાપ્રધાને વચન આપ્યુ હતું કે રાજ્યમાં જેવી સ્થિતિ સામાન્ય થશે ત્યારે કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો પાછો આપી દેવામાં આવશે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જમ્મુ કાશ્મીરને કેન્દ્રશાસિત રાજ્ય બનાવવાનો નિર્ણય થોડા સમય માટે છે પરંતુ જેવી જ સ્થિતિ સામાન્ય થશે ત્યારે જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો પાછો આપી દેવામાં આવશે. મોદીએ કહ્યું કે, જે રીતે રાજ્યમાં પંચાયતની ચૂંટણી યોજવામાં આવી તેવી જ રીતે વિધાનસભા ચૂંટણી યોજવામાં આવશે અને લોકોને પોતાના પ્રતિનિધિ પસંદ કરવાની તક મળશે.


વડાપ્રધાન મોદીએ જમ્મુ કાશ્મીર પર વાત કરતા કહ્યું કે, અમારા તમામના પ્રયાસોથી જમ્મુ કાશ્મીર અને લદાખના લોકોને તેમના અધિકાર મળ્યા છે. હું જમ્મુ કાશ્મીર અને લદાખના લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપ્યું છું. હવે કરોડો લોકોનું સ્વપ્ન પુરુ થયું છે. આશ્વર્યની વાત એ છે કે કલમ 370થી જમ્મુ કાશ્મીરરના લોકોના જીવનમાં શું લાભ થયો તેના પર કોઇ ચર્ચા કરતું નહોતું. આર્ટિકલ 370 અને 35એનો આતંકવાદ, અલગતાવાદ અને પરિવારવાદ માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો.