નવી દિલ્હી: મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સરકારે દિલ્હીના લોકો માટે મોટી જાહેરાત કરી છે. હવે દિલ્હીના લોકોને ફ્રી વાઈ-ફાઈ મળશે. સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં 11 હજાર હૉટસ્પૉટ માટે પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે. જેમાં 4000 હૉટસ્પૉટ માત્ર બસસ્ટૉપ પર લગાવવામાં આવશે. જ્યારે 7 હજાર હૉટસ્પોટ વિધાનસભામાં લગાવવામાં આવશે.

કેજરીવાલે કહ્યું કે કુલ 15 GB ડેટા પ્રતિ મહીને આપવામાં આવશે. જેની સ્પીડ 200Mbps હશે. તેઓએ કહ્યું આ પ્રથમ તબક્કો છે. તેના અનુભવ બાદ સરકારે આ પ્રોજેક્ટને આગળ લઈ જવો કે નહીં તે અંગે નિર્ણય કરશે.


ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીએ 2015માં વિધાનસભા ચૂંટણીમાં મહિલાઓની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા લગાવવા અને મફતમાં વાઈફાઈ સુવિધા પુરી પાડવા બે મહત્વના ચૂંટણી વાયદાઓ કર્યા હતા. થોડા દિવસો પહેલા જ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સલાહકાર અને આ બન્ને પ્રોજેક્ટના પ્રભારી ગોપાલ મોહને જણાવ્યું કે અમે સીસીટીવી અને વાઈફાઈના મૉડલ પર કામ કરી રહી છે. કેમેરા ઉચ્ચ ગુણવત્તાનો વીડિયો ફુટેજ ઉપલબ્ધ કરાવશે અને વાઈફાઈ રાઉટર પોતાની ચારો તરફ 50 મીટરની રેન્જમાં હૉટસ્પૉટનું કામ કરશે.