G20 Summit:  વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાના બાલીમાં યોજાનારી G20 સમિટમાં આરોગ્ય, મહામારી પછીની અર્થવ્યવસ્થા અને ઊર્જા અને ખાદ્ય સુરક્ષાના ક્ષેત્રોમાં મુખ્ય વૈશ્વિક પડકારોને પહોંચી વળવા માટે ભારતનું વિઝન રજૂ કરે તેવી અપેક્ષા છે. મોદી સમિટમાં હાજરી આપવા માટે સોમવારે (14 નવેમ્બર) ઇન્ડોનેશિયાના શહેર બાલી જવા રવાના થશે, જ્યાં તેઓ યુક્રેન સંઘર્ષ અને તેના પરિણામો સહિત વૈશ્વિક પડકારો પર વ્યાપક ચર્ચા કરશે તેવી અપેક્ષા છે.


ભારત માટે કેમ મહત્વપૂર્ણ છે આ સમિટ


બાલીમાં 15 અને 16 નવેમ્બરે યોજાનારી વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓની આ સમિટ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે ઇન્ડોનેશિયા આ વાર્ષિક સંમેલનના સમાપન સમારોહમાં ભારતને G-20 અધ્યક્ષપદ સોંપશે. પીએમ મોદી અને અન્ય નેતાઓ વૈશ્વિક અર્થવ્યવસ્થા, ઊર્જા, પર્યાવરણ અને ડિજિટલ પરિવર્તન જેવા મુદ્દાઓ પર ચર્ચા કરશે.


આ વૈશ્વિક નેતાઓ લેશે ભાગ


અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન, બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન, જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ આ સમિટમાં ભાગ લેશે.






સમાચાર એજન્સી પીટીઆઈએ સત્તાવાર સૂત્રોને ટાંકીને કહ્યું કે, ઈન્ડોનેશિયાના બાલીમાં મોદીના લગભગ 45 કલાકના રોકાણ દરમિયાન લગભગ 20 કાર્યક્રમો છે. તેમણે કહ્યું કે મોદી લગભગ 10 વિશ્વ નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. વિદેશ સચિવે કહ્યું, "વડાપ્રધાન બાલી સમિટના સમાપન સત્રમાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પાસેથી G20 નું પ્રમુખપદ સંભાળશે, અને જેમ તમે બધા જાણો છો, ભારત સપ્ટેમ્બર 2023 માં આગામી G20 સમિટની યજમાની કરશે."


બાલીમાં, મોદી 15 નવેમ્બરના રોજ એક કાર્યક્રમમાં ભારતીય સમુદાય અને ભારતના મિત્ર દેશો સાથે સંબોધન અને વાર્તાલાપ પણ કરશે. ઈન્ડોનેશિયામાં મોટી સંખ્યામાં ભારતીય સમુદાય છે. પીએમ મોદી 16 નવેમ્બરે બાલી સમિટ સમાપ્ત થયા બાદ ત્યાંથી રવાના થશે. સમિટમાં મોદીનો સંદેશો શું હશે તે અંગે પૂછવામાં આવતા ક્વાત્રાએ સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો, પરંતુ આબોહવા, આરોગ્ય અને ઉર્જા સુરક્ષા સંબંધિત પડકારોની યાદી આપી હતી.