મુંબઈઃ પંજાબ નેશનલ બેંકને 12 હજાર કરોડ રૂપિયાનો ચૂનો લગાડનાર મેહુલ ચોકસી અમેરિકાથી ભાગીને વેસ્ટઈન્ડિઝના એન્ટીગુઆ જતો રહ્યો છે. પ્રત્યાર્પણ નોટિસ નીકળવાના એક દિવસ પહેલા મેહુલે આ નવું પગલું ભર્યું છે. આ સ્થિતિમાં એવો પ્રશ્ન ઉઠી રહ્યો છે કે કોણ તેને દરેક અપડેટ આપી રહ્યું છે ?

મેહુલ ચોકસીએ અમેરિકાથી એન્ટીગુઆ જવા માટે જેટ બ્લૂ ફ્લાઈટનો ઉપયોગ કર્યો હોવાનું અને ભારતીય પાસપોર્ટનો ઉપયોગ ન કર્યો  હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે મેહુલ ચોકસીએ એન્ટીગુઆનો પાસપોર્ટ મેળવી લીધો છે.

એન્ટીગુઆના કાયદા પ્રમાણે, જો અહીં કોઈ વ્યક્તિ 4 લાખ અમેરિકન ડોલર કિંમતની પ્રૉપર્ટી ખરીદી લે છે તો તેમને ત્યાંનું નાગરિકતા મળી જાય છે. તેના સિવાય કોઈ વેપારી અહીં 1.5 મિલિયન અમેરિકી ડોલરનું રોકાણ કરે છે તો તે પણ એન્ટીગુઆનું નાગરિકતા મેળવી શકે છે.

થોડા દિવસો પહેલા મેહુલ ચોકસીએ  વિશેષ કોર્ટમાં અરજી કરીને તેની સામે જાહેર કરવામાં આવેલું બિનજામીન પાત્ર વોરંટ રદ કરવા આગ્રહ કર્યો હતો. તેણે એવી આશંકા વ્યક્ત કરી હતી કે જો તેને ભારત લાવવામાં આવશે તો મોબ લિચિંગનો ભોગ બની શકે છે.