નવી દિલ્હીઃ જાણીતા શાયર રાહત ઈન્દોરીનું કોરોના વાયરસના કારણે મોત થયું છે. તેઓ 70 વર્ષના હતા. ગઈકાલે તેમનો  કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ઈન્દોરમાં તેમને મોડી રાતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાહત ઈન્દોરીના પુત્ર સતલજે આ અંગેની માહિતી આપી હતી. બાદમાં અંગે રાહત ઈન્દોરીએ પણ ટ્વિટ કર્યું હતું.


શ્રી ઓરબિંદો હોસ્પિટલમાં તેમની સારવાર કરતાં ડો. વિનોદ ભંડારીએ કહ્યું તેમને આજે બે હાર્ટ અટેક આવ્યા હતા અને બચાવી ન શક્યા. તેમને રવિવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમને ન્યૂમોનિયા થયો હતો.



કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે ટ્વિટ કરીને કહ્યું, શાયર રાહત ઈન્દોરીજીના અવસાનની ખબરથી મને ઘણું દુઃખ થયું છે. ઉર્દૂના દિગ્ગજ હસ્તી હતા. પોતાની યાદગાર શાયરીથી તેમણે અલગ છાપ છોડી હતી. આજે સાહિત્ય જગતને મોટું નુકસાન થયું છે.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાને રાહત ઈન્દોરીના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું. દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ટ્વિટ કરીને કહ્યું, અલવિદા રાહત ઈન્દોરી સાહેબ, દેશનો એક અવાજ જતો રહ્યો. તેમનું જવું આપણા બધા માટે દુઃખદ છે.