નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી અને વીઆઇપી હોસ્પિટલ દિલ્હી એઇમ્સમાં આગ લાગવા મામલે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. ફાયર ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે એઇમ્સની જે ઇમારતમાં આગ લાગી છે તેમની પાસે એનઓસી નહોતું. આ નિયમોનું પુરી રીતે ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.

દિલ્હી ફાયર અધિકારીઓના મતે એઇમ્સના જે ટીચિંગ બ્લોકમાં શનિવારે ભયાનક આગ લાગી હતી તે બ્લોક પાસે ફાયર એનઓસી  નહોતુ. આ બિલ્ડિંગ ખૂબ જૂની છે. નિયમો અનુસાર દર ત્રણ વર્ષમાં ફાયર NOC લેવું ફરજિયાત છે અને દર વર્ષે ફાયર NOC સર્ટિફાઇડ થાય છે જે એઇમ્સે કરાવ્યું નહોતું.

કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી ડો હર્ષવર્ધને રવિવારે સવારે ઘટનાસ્થળ પર જઇને સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમની સાથે એઇમ્સના ડિરેક્ટર અને વરિષ્ઠ ફેકલ્ટી મેમ્બર હતા.એઇમ્સે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. એઇમ્સે એક નિવેદનમા કહ્યું કે, તેમની પાસે આગથી બચવા માટેની રેગ્યુલર સિસ્ટમ છે અને 24 કલાક ફાયર બ્રિગ્રેડના જવાનો તૈનાત રહે છે.

આ વચ્ચે એઇમ્સની આગ પર કેન્દ્રિય સ્વાસ્થ્ય રાજ્યમંત્રી અશ્વિની ચૌબેએ કહ્યું કે, દર્દીઓને કોઇ સમસ્યા થઇ રહી નથી જે દર્દીઓને શિફ્ટ કરાયા હતા તેમને પાછા તેમના વોર્ડમાં મોકલી દેવાયા છે. મશીનો અને અન્ય સામાન બળીને ખાખ થઇ ગયો છે.