CM દેવેન્દ્ર ફડણવીસની બેઠકમાં ના પહોંચ્યા અજિત પવાર, ખાલી ખુરશી રહેતા અનેક અટકળો શરૂ
abpasmita.in | 25 Nov 2019 09:53 PM (IST)
બેઠકમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની બાજુની ખુરશી ખાલી રહી હતી જે નાયબ મુખ્યમંત્રી અજિત પવાર માટે રિઝર્વ હતી.
મુંબઇઃ મહારાષ્ટ્રની રાજનીતિમાં આખરે કોણ કોની સાથે છે? શનિવારે સવારે દેવેન્દ્ર ફડણવીસ સાથે નાયબ મુખ્યમંત્રીની શપથ લેનારા અજિત પવાર મુખ્યમંત્રીની એક મહત્વની બેઠકમાં હાજર રહ્યા નહોતા. વર્લ્ડ બેન્કના પ્રતિનિધિઓ સાથે દુકાળ, પૂર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટને લઇને આયોજીત બેઠકમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની બાજુની ખુરશી ખાલી રહી હતી જે નાયબ મુખ્યમંત્રી અજિત પવાર માટે રિઝર્વ હતી. ત્યારબાદથી એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે અજિત પવાર એકવાર ફરી પોતાનો વિચાર બદલી શકે છે. આ વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કમોસમી વરસાદથી પ્રભાવિત ખેડૂતો માટે 5380 કરોડ રૂપિયાની ફાળવણી કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ આ રકમ મહારાષ્ટ્ર આપત્તિ રાહત ભંડોળમાંથી આપવામાં આવશે. સીએમઓ મહારાષ્ટ્રના ટ્વિટર હેન્ડલ પર જણાવ્યું હતું કે, વર્લ્ડ બેન્ક સાથે બેઠકમાં પૂરથી પ્રભાવિત વિસ્તારોના પાણીને દુકાળગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડવાની યોજના પર વાત થઇ હતી.